શહીદ સ્મારક પાસે બાંધકામ વિભાગે શૌચાલય બનાવી માનવતા શર્મસાર કરી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપીમાં બે-ત્રણ દિવસથી ઝંડાચોક શહિદ સ્મારક મુદ્દે ભારે વિવાદ અને વિરોધ પ્રવર્તી રહ્યો છે. ઝંડાચોકમાં જાહેર શૌચાલય બનાવીને શહિદ સ્મારક અને શહિદોનું અપમાન કર્યું છે તેથી વાપી કોંગ્રેસ દ્વારા આજે મંગળવારે કલેક્ટર વલસાડને આવેદન પાઠવી પાલિકા દ્વારા હાથ ધરાયેલ ગતિવિધિઓનો સખ્ત વિરોધ કરવામાં આવ્યો છે.
તાજેતરમાં વાપી ઝંડાચોક સ્મારક પાસે પાલિકા દ્વારા જાહેર મૂતરડી અને શૌચાલય બનાવવામાં આવેલ છે. ઝંડાચોકનું નિર્માણતા.15-11-48માં થયેલું છે. અહીં વીર શહિદ જવાન સ્વ.જેઠાભાઈ પટેલ અને સ્વ.દત્તાતય બજાજના સ્મારકોની સ્થાપના થયેલ છે. 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટના રોજ આઝાદી કાળથી પ્રતિ વર્ષે ધ્વજવંદન આ સ્થળે કરવામાં આવે છે. તેવી ઐતિહાસિક ઝંડાચોકની પાસે જ પાલિકા દ્વારા જાહેર શૌચાલય અને મુતરડી ઉભી કરી દેતા શહેરના નાગરિકોમાં રોષ ફેલાયો છે તે ધ્યાને લઈ વાપી કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટર વલસાડને આવેદનપત્ર પાઠવી માંગણી કરાઈ છે કે પાલિકા દ્વારા શૌચાલયનો હૂકમ તાત્કાલિક અસરથી રદ્ કરવામાં આવે બીજુ તેમ નહી થાય તો જાહેર આંદોલન કરવામાં આવશે. જેમાં જાનમાલ જે નુકશાન થશે તેની જવાબદારી જવાબદાર અધિકારીઓની રહેશે તેવી ચિમકી પણ અપાઈ છે.