એક ગામમાં 25 ખેડૂતોને તાલીમ અપાઈ, જિલ્લામાં 1540
તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા
જિલ્લામાં, રાજ્યની અંદર અને રાજ્યની બહાર વિવિધ તાલીમ અને પ્રવાસ કાર્યક્રમોનું પણ આયોજન કરાય છે
જિલ્લામાં 21486 એકર જમીન પર 21 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.26: શાકભાજી અને અનાજ પર આડેધડ જંતુનાશક દવાના છંટકાવ અને રાસાયણિક ખાતરને કારણે લોકોને ઝેરયુક્ત ખોરાક મળતા બિમારીઓનું પ્રમાણ પણચિંતાજનક રીતે વધી રહ્યુ છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ લોકોના સ્વાસ્થ્યની સાથે પર્યાવરણ અને જમીનની ફળદ્રુપતાની ચિંતા કરી ઝેરયુક્ત રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી કરવા માટે અભિયાન છેડયુ છે. જેને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. જેને પગલે વલસાડ જિલ્લામાં અંદાજે 21 હજારથી વધુ ખેડૂતો 21486 એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
પ્રાકૃતિક ખેતી આજના સમયની માંગ છે. વધતી જતી બિમારીઓ અને પર્યાવરણના અસંતુલન સામે પ્રાકળતિક ખેતી જ એક માત્ર વિકલ્પ ગણાય છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ પ્રાકૃતિક ખેતી દેશના દરેક રાજ્યોમાં થાય તે માટે આહવાન કરી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂત આર્થિક રીતે સધ્ધર બને તે માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ અમલમાં મુકી છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરી પ્રાકૃતિક ખેતીની ખેત પેદાશોનું ખેડૂતોને ઉત્તમ મૂલ્ય મળે તે માટે પ્રયત્નશીલ છે ત્યારે વલસાડ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના ફેલાવા માટે વલસાડ જિલ્લા આત્મા પ્રોજેક્ટ દ્વારા ભગીરથ પ્રયાસ કરાઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં 1 લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે.
આ અંગે વિસ્તૃત માહિતી આપતા વલસાડ જિલ્લાના આત્માપ્રોજેક્ટના ડાયરેકટરશ્રી ડી.એન.પટેલે જણાવ્યું કે, ગામે ગામ ખેડૂતો પ્રાકળતિક ખેતી અપનાવતા થાય તે માટે ખેડૂતોને તાલીમબધ્ધ કરવા એ ખૂબ જ મહત્વનો ભાગ ગણાય છે. જિલ્લામાં 385 ગ્રામ પંચાયતો છે. વર્ષમાં 3 ઋતુ ખરીફ, રવિ અને ઉનાળુ મુજબ એક ઋતુમાં 1540 તાલીમ કાર્યક્રમ કરવામાં આવે છે. દર ઋતુમાં એક ગ્રામ પંચાયત દીઠ 4 માસમાં 4 તાલીમ કરવાની હોય છે એટલે જિલ્લામાં 1540 તાલીમ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. એક તાલીમમાં 25 ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે એમ ખરીફ ઋતુમાં જુલાઈથી ઓક્ટોબર સુધી ચાર માસમાં કુલ 38500 ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. જ્યારે રવિ ઋતુમાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી 38500 ખેડૂતોને તાલીમબધ્ધ કરાશે.
ખેડૂતોને આપવામાં આવતી તાલીમના વિવિધ પ્રકાર અંગે ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી વિમલભાઈ પટેલે જણાવ્યું કે, ખેડૂતો માટે જિલ્લાની અંદર એક દિવસીય, રાજ્યની અંદર ત્રણ દિવસીય અને રાજ્યની બહાર સાત દિવસીય તાલીમ યોજવામાં આવે છે. આ સિવાય વિસ્તરણ કાર્યકરોની પણ 3 દિવસની તાલીમ હોય છે. આ જ રીતે પ્રેરણા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે. જે મુજબ જિલ્લાના ખેડૂતોને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, અન્ય જિલ્લાના કળષિ વિજ્ઞાન કેન્દ્રો અને રોજકોટ જિલ્લાના રામોદ ગામે વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ભુપેન્દ્રભાઈ નાથાણીની મુલાકાત કરાવવામાં આવી હતી.