(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલનો બિનહરીફ વિજય થયો હતો. પ્રમુખપદની ચૂંટણી માટે મળેલી વિશેષ સામાન્ય સભામાં ભાજપ તરફથી શ્રી નવિનભાઈ પટેલને આપેલા મેન્ડેટ બાદ બીજી કોઈ દાવેદારી નહી આવતા ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર શ્રી મોહિત મિશ્રાએ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલને વિજેતા ઘોષિત કર્યા હતા.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ 31મી મે, ર023 સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રારંભમાં દમણ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યોને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલની પસંદગી કરાઈ હોવાની જાણકારી આપી હતી અને તેમના સમર્થનમાં મતદાન કરવા નિર્દેશ આપ્યો હતો.
શ્રી નવિનભાઈ પટેલ પ્રમુખ તરીકે વિજેતા બનતા તેમના સમર્થકો અને શુભેચ્છકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને જિલ્લા પંચાયત પરિસર આતશબાજીથી ગાજી ઉઠયુ હતું.