સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સમયાંતરે જરૂરી અને યોગ્ય તપાસ નહિ થવાના કારણે ઉદ્યોગ સંચાલકોની વધી રહી છે મનમાનીઃ નિર્દોષ લોકોની હોમાઈ રહી છે જીંદગી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.29 : ગુજરાતના વલસાડ અને મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાને અડીને કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં ખુબ મોટી સંખ્યામાં વિવિધ ઉદ્યોગો સ્થાપિત છે જેમાં છાશવારે દુર્ઘટનાઓ બની રહી છે. જેનો જેનો ભોગ તેમાં કામ કરતા નિર્દોષ કામદારો/કર્મચારીઓ બની રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દાનહમાં કેટલાક એવા ઉદ્યોગો છે જેમાં સંચાલકોની લાપરવાહી અને મનમાનીના કારણે સમય સમય પર નાના-મોટી દુર્ઘટનાઓ બને છે. આ દુર્ઘટનાઓનો શિકાર કેટલાક નિર્દોષ શ્રમિકો બનતા હોય છે અને પોતાનો જીવ સુદ્ધા ગુમાવી દે છે. તો કેટલાક શ્રમિકો ઈજાગ્રસ્ત થવાની ઘટના પણ બને છે.
દાદરા નગર હવેલીમાં મોટાભાગે માર્બલ, પ્લાસ્ટિક, યાર્ન, કાસ્ટિંગ ભઠ્ઠી વાળા ઉદ્યોગ સહિત અન્ય કેટલાક નાના-મોટા ઉદ્યોગોમાં ક્યારેક કામદારોના હાથ કપાઈ જાય છે તો ક્યારેક આંગળીઓ મશીનમાં આવી જવી, ક્રેન તૂટી પડવી તો કેટલાક કુલિંગ ફેનમાં કપાઈને જીવ ગુમાવી દે છે. ક્યારેક બ્લાસ્ટ અને આગજની જેવી ઘટનાઓમાં મોટાભાગે બેકસૂર કામદારો જ ભોગ બની રહ્યા છે.સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઉદ્યોગોમાં કાર્યરત શ્રમિકોની સુરક્ષા માટે શ્રમ અધિકારી સહિત ફેક્ટરી ઇન્સ્પેક્ટરની નિયુક્તિ કરવામાં આવેલ છે. પરંતુ આખા વર્ષ દરમ્યાન ઓફિસમાં બેસી રહેતા હોય છે અને ક્યારેય પણ ઉદ્યોગોમાં આકસ્મિક જઈને તપાસ કરતા નથી. એજ કારણ છે કે ઉદ્યોગ સંચાલકો દ્વારા મનમાની અને લાપરવાહ બનીને ઉદ્યોગોનું સંચાલત કરી રહ્યા છે જેનો ભોગ ગરીબ અને લાચાર શ્રમિકોએ બનવું પડે છે જે ક્યારેય સાંખી નહીં લેવાય.
લોકોનું કહેવું છે કે ફક્ત ઘટના નહીં બને ત્યારે જ નહિ, પરંતુ સમય સમય પર ફેક્ટરી ઈન્સ્પેકટર અને શ્રમ વિભાગના અધિકારીઓ પોતાના કાર્યનિષ્ઠાને જવાબદારીપૂર્વક સંભાળે અને ઉદ્યોગોમાં સમય સમય પર અચાનક નિરીક્ષણ કરે તો દુર્ઘટનાઓનો ભોગ બનતાં અનેક નિર્દોષ શ્રમિકોના જીવ બચાવી શકાય સાથે બેજવાબદાર ઉદ્યોગોનો પર્દાફાશ પણ થઈ શકે જે કાયદાને પોતાના ખિસ્સામાં રાખીને ચાલી રહ્યા છે.