(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.01 : દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને લોકસભા બેઠકો ઐતિહાસિક માર્જીનથી જીતવા ભાજપે પ્રદેશ પ્રભારી શ્રી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી શ્રી દુષ્યંત પટેલના નેતૃત્વમાં માઈક્રો સ્તરનું આયોજન હાથ ધર્યું છે. જેના પગલે કાર્યકરોમાં પણ ઉત્સાહ અને પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં વધારો થયો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અનુ.જનજાતિ માટે આરક્ષિત લોકસભાની દાદરા નગર હવેલી બેઠકમાં 2019ની સામાન્ય ચૂંટણી અને 2021ની પેટા ચૂંટણીમાં ભાજપનો પરાજય થયો હતો. આ બેઠક ઉપર ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન રાખી હાથ ધરવામાં આવેલા આયોજનના પગલે હવે દાદરા નગર હવેલી બેઠક ભાજપ જીતી શકે તેવું વાતાવરણ કાર્યકરોના દિલમાં પેદા થયું છે.
ભાજપ માટે દમણ-દીવની સલામત ગણાતી બેઠકમાં પણ કોઈપણ પ્રકારની ઉદાસિનતા નહીં રાખી આ બેઠકને ઐતિહાસિક માર્જીનથી કેવી રીતે જીતી શકાય તે બાબતે પ્રદેશ ભાજપે પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં અત્યાર સુધી આવતા પ્રભારીઓથી વિપરીત શ્રી પૂર્ણેશ મોદી અને શ્રી દુષ્યંત પટેલે ચિલો પાડી લોકોના વચ્ચેથી ચાલતા વર્તમાન કરંટને ઓળખવાની પધ્ધતિ અપનાવી છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને લોકસભાબેઠકોના તમામ બૂથો મજબૂત બની સરસાઈ મેળવે તે પ્રકારના આયોજનો અત્યારથી જ હાથ ધરવામાં આવી રહ્યા છે.
બીજી બાજુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળના 10 વર્ષ દરમિયાન પહેલી વખત દાદરા નગર હવેલી અને દમણ-દીવની સીધી કાળજી પ્રધાનમંત્રીશ્રી દ્વારા લેવામાં આવી રહી છે. તે બાબતની જાણકારી પણ બહુમતિ પ્રજાજનોને હોવાથી આવતી ચૂંટણીમાં બંને બેઠકો ઉપર ભાજપનું કમળ સોળે કળાએ ખિલશે એવો જનાધાર પણ મજબૂત બની રહ્યો છે. આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ, એજ્યુકેશન, ટુરિઝમ, ઈન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટેશન, સ્પોર્ટ્સ સહિતના અનેક ક્ષેત્રે દેશના કેટલાક સમૃદ્ધ રાજ્યો કરતા પણ વિશેષ વિકાસ થવાનો છે. જેનો પાયો અત્યારથી જ નંખાઈ ચુક્યો છે. તેની સીધી અસર પણ મતદારોમાં થવાથી આ બંને બેઠકો ઉપર ભાજપને સરળ વિજય મળશે એવું આકલન પણ તટસ્થ રાજકીય નિરીક્ષકો વ્યક્ત કરી રહ્યા છે.