પ્રશાસકને મળ્યા ચિંતિત વાલીઓ : પ્રશાસને વિદ્યાર્થીઓને પરત લાવવા શરૂ કરેલી ઉચ્ચ સ્તરીય કાર્યવાહીની પણ વાલીઓને આપેલી જાણકારી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.25
દેશના કેટલાક રાજ્યોની જેમ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના ચાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાઈ ગયા છે. યુક્રેન ઉપર રશિયાએ હુમલો કરી દીધો છે એવામાં એમના વાલીઓ ચિંતામા છે અને સરકાર પાસે એની વતન વાપસી માટે મદદ માંગ કરી રહ્યા છે. દમણની કુ.માનસી શર્મા, દાનહ સેલવાસની કુ. ખુશી ભંડારી, કુ. ધ્વની પ્રધાન અને એક વિદ્યાર્થી કુ. અભિનીત યાદવનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના ચાર વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાની માહિતી મળતા જ ગઈકાલ રાત્રિથી સંઘપ્રદેશ પ્રશાસને પોતાના ઉચ્ચ સ્તરીય પ્રયાસો તેજ કર્યા હતા અને સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સ્વયં મોડી રાત સુધી સમગ્ર પરિસ્થિતિનું મોનિટરીંગ કરી રહ્યા હતા.
દરમિયાન આજે દાદરા નગર હવેલી અને દમણના ચિંતિત વાલીઓ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલને મળવા માટે ધસી આવ્યા હતા. મુલાકાત દરમિયાન પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આશ્વાસન આપતા જણાવ્યું હતું કે, અમને જેવી જાણકારી મળીત્યારથી જ વિદ્યાર્થીઓને પરત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે અને આ તમારા સંતાનો નહીં પરંતુ અમારા સંતાનો છે તે રીતે પ્રશાસન ખુબ જ સંવેદનશીલતાની સાથે બાળકોને પરત વતન લાવવા પ્રયાસરત છે.
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે વાલીઓની રજૂઆતના પહેલા જ શરૂ કરેલી કાર્યવાહીથી ચિંતાતુર વાલીઓમાં પણ પોતાના સંતાનો હેમખેમ આવશે એવી આશા બળવત્તર બની છે.
આ ગંભીર વિષયને ધ્યાને લઈ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે તરત જ ભારત સરકારના મંત્રાલયને ચારેય વિદ્યાર્થીઓની માહિતી મોકલી આપી, તેઓને વતન વાપસી માટેની કાર્યવાહી શરુ કરી દીધી છે.
આ અવસરે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દરેક વાલીઓને આશ્વાશન આપ્યું હતું કે, દરેક વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે જલ્દીથી જલ્દી પ્રદેશમાં પરત આવશે.
મળેલ માહિતી અનુસાર સંઘપ્રદેશના ચારેય વિદ્યાર્થીઓ યુક્રેનમાં સુરક્ષિત છે. હાલમાં ત્યાં ચાલી રહેલ યુદ્ધના કારણે ભયભીત છે. ચારેય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે પ્રશાસનિક અધિકારીઓ દ્વારા કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.