-
દમણવાડા પંચાયત વિસ્તારની પોતાની કોઠાસૂઝ અને સખત પરિશ્રમથી પોતાના પરિવારને ઉભો કરનારી માતાઓ, ઉચ્ચ શિક્ષણમાં અગ્રેસર મહિલાઓ તથા શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનારા નિવૃત પ્રિન્સીપાલ તથા શિક્ષકોનું કરાનારૂ સન્માન
-
સમારંભના મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશના સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી અંકિતા આનંદની રહેનારી ઉપસ્થિતિ
-
દમણ ગવર્નમેન્ટ કોલેજના પ્રો.ડો. સંજય કુમાર દ્વારા વિદ્યાર્થીઓને પરિક્ષાના ડરમાંથી બહારકાઢવા માટે અપાનારૂ માર્ગદર્શન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.06
દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા અગામી તારીખ 8મી માર્ચના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ના ઉપક્રમે ‘માતૃ અને વિદ્યાશક્તિ સન્માન’ સમારંભનું બપોરે 3:30 કલાકે પંચાયતના પટાંગણમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમા મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશના સ્કૂલ એજ્યુકેશન સેક્રેટરી શ્રીમતી અંકિતા આનંદ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ધો.10 અને ધો.1રના વિદ્યાર્થીઓને પરિક્ષા માટે પરિવાર દ્વારા રાખવાની કાળજી અને વિદ્યાર્થીઓને પરિક્ષાના ડરમાંથી બહાર કાઢવાનું માર્ગદર્શન દમણની ગવર્નમેન્ટ કોલેજના પ્રો. ડો. સંજય કુમાર દ્વારા આપવામાં આવશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા ‘માતૃ અને વિદ્યાશક્તિ સન્માન’ સમારંભ અંતર્ગત પંચાયત વિસ્તારમાં પોતાની કોઠાસૂઝ અને સખત પરિશ્રમથી પોતાના પરિવારને ઉભો કરનારી માતાઓ, ઉચ્ચ શિક્ષણમાં અગ્રેસર મહિલાઓ તથા શિક્ષણ ક્ષેત્રે પોતાનું યોગદાન આપનારા નિવૃત પ્રિન્સીપાલ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવનાર છે.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનોને ઉપસ્થિત રહેવા માટે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ અપીલ પણ કરી છે.