-
તિલક, પુષ્પ, પેન અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓમાં પેદા કરેલું હકારાત્મક વાતાવરણ
-
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પાંચ વર્ષ પહેલા શરૂ કરેલા પ્રયોગનું મળી રહેલું સકારાત્મક પરિણામ : 2017ના વર્ષથી દમણ અને સેલવાસમાં ધો.1ર સાયન્સના પરીક્ષા કેન્દ્રનો પણ થયેલો આરંભ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.28
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ર017ના વર્ષની ધો.10 અને ધો.1રની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને તેમના પરીક્ષા કેન્દ્ર ખાતે સત્કારવા શરૂ કરેલી નવતર પહેલ આજ પર્યંત ચાલુ રહી છે અને આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપ ખાતે હોવા છતાં પ્રશાસનના તમામ ઉચ્ચ અધિકારીઓએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે પહોંચી વિદ્યાર્થીઓનો આદર-સત્કાર કર્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓના મનમા બોર્ડની પરીક્ષાના ઉભા થતા ડરને બહાર કાઢી હકારાત્મક વાતાવરણ પેદા કરવા તંત્ર સફળ રહ્યું છે.
અત્રે યાદ રહે કે, 2017ના વર્ષ સુધી દાદરા નગર હવેલી અને દમણમાં ધો.1ર વિજ્ઞાન પ્રવાહનું પરીક્ષા કેન્દ્ર નહી હતું. પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે કરેલી સફળ પેરવી બાદ દમણ અને સેલવાસ ખાતે ધો.1રનાવિજ્ઞાન પ્રવાહના પરીક્ષા કેન્દ્રનો આરંભ ર017ના બોર્ડની પરીક્ષાથી થયો હતો. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને શક્તિમાં પણ બચત થવા પામી હતી. વિદ્યાર્થીઓના પરિવારને પણ રાહત મળી હતી.
આજે પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘે સાર્વજનિક વિદ્યાલયમાં, આરોગ્ય સચિવ ડો.એ.મુથમ્મા માછી મહાજન સ્કૂલ અને દમણના કલેક્ટર શ્રીમતી તપસ્યા રાઘવે સરકારી હાયર સેકેન્ડરી સ્કૂલ-ભીમપોર ખાતે પહોંચી બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને પુષ્પ, પેન અને ચોકલેટ આપી તેમનું ઉત્સાહવર્ધન કર્યુ હતું.
શ્રમ અને રોજગાર વિભાગના સચિવ શ્રીમતી ભાનુ પ્રભાએ ઈન્સ્ટિટયૂટ ઓફ અવર લેડી ઓફ ફાતિમા અને શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદે સરકારી હાયર સેકેન્ડરી સ્કૂલ મોટી દમણ ખાતે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
દાદરા નગર હવેલી ખાતે હાયર અને ટેક્નીકલ એજ્યુકેશન સચિવ શ્રીમતી સલોની રાયે સરકારી હાયર સેકેન્ડરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)-ટોકરખાડા, દાનહના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસે સરકારી હાયર સેકેન્ડરી સ્કૂલ(ગુજરાતી માધ્યમ)-ટોકરખાડામાં અને ખાનવેલના આરડીસી શ્રી ચિમાલા શિવા ગોપાલ રેડ્ડીએ ગલોન્ડા હાયર સેકેન્ડરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પુષ્પ, પેન અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા.
દીવમાં કલેક્ટર શ્રી ફરમન બ્રહ્માએ દીવ સરકારીહાયર સેકેન્ડરી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓની વધામણી કરી હતી. આ તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે અન્ય સહયોગી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાકાળ બાદ શરૂ થયેલી પરીક્ષાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉત્સાહ, ચિંતા, ઉચાટની સાથે પ્રસન્નતા પણ જોવા મળી હતી.