(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.03: આપણો દેશ સ્વતંત્રતાના 75 વર્ષ નિમિત્તે ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ મનાવી રહ્યો છે, જેના અંતર્ગત દાનહ અને દમણ-દીવપ્રશાસન પણ આ મહોત્સવને મનાવવામાં આવી રહ્યો છે. આ અવસરે સંઘપ્રદેશના પ્રશાસકશ્રીના માર્ગદર્શનમાં સેલવાસ નગરપાલિકાના પ્રમુખ શ્રી રાકેશસિંહ ચૌહાણના દિશા-નિર્દેશમાં પાલિકા સભ્યો, ચીફ ઓફીસર અને કર્મચારીઓ દ્વારા ઘરે ઘરે જઈ રાત્રી ચૌપાલનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને દરેક નગરવાસીઓને પોતપોતાના ઘરો, દુકાનો અને ઔદ્યોગિક એકમોમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા આહ્વાન કરવામાં આવી રહ્યું છે. પાલિકા ઉપ પ્રમુખ શ્રી અજયભાઈ દેસાઈ, ચીફ ઓફિસર શ્રી મનોજકુમાર પાંડે અને વોર્ડ નંબર પાંચના સભ્ય શ્રી રજની શેટ્ટી દ્વારા પ્રમુખ ગાર્ડન અને પાર્ક સીટી સોસાયટીમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાત્રી ચૌપાલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા દ્વારા દરેક રહેવાસીઓને 13 થી 15 ઓગસ્ટ સુધી પોતાના ઘર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાની અપીલ કરવામાં આવી હતી અને સાથે સોસાયટીમાં દેશભક્તિ ગીતો વગાડવા, રંગોળી હરીફાઈનું આયોજન, ત્રણ રંગ એટલે કે કેસરિયો, સફેદ અને લીલા રંગના ફુગ્ગાઓ ફુલાવી અને દેશભક્તિથી જોડાયેલ વિવિધ કાર્યક્રમનું આયોજન કરવા પણ નિવેદન કરવામાં આવ્યું છે. દરેક સોસાયટીવાસીઓને આઝાદીના અમૃત મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લેવાનો વિશ્વાસ આપ્યો હતો.
સેલવાસ પાલિકા દરેકને એ પણ અપીલ કરે છેકે harghartiranga.com પર જઈ પીન એ ફલેગના અંતર્ગત પોતાના ઝંડાનું લોકેશન શેર કરી એનું પ્રમાણપત્ર પણ પ્રાપ્ત કરી શકે છે. સાથે અપલોડ સેલ્ફી વિથ ફલેગ અંતર્ગત પોતાની આસપાસ ઝંડા સાથે સેલ્ફી પણ અપલોડ કરી શકે છે.