(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.29
વલસાડના ડો. ભૈરવી જોશી, મૂળ તો વ્યવસાયે દાંત ચિકિત્સક પરંતુ સાયકલિંગ, માર્ગ સલામતી એમનો પ્રિય વિષય, એમનું જો ચાલે તો આખા વલસાડને સાયકલ ચલાવતા કરી દે પરંતુ એમનું તો ડ્રીમ છે કે, વિશ્વની 50% વસતિ રોજ સાયકલ ચલાવતી થઈ જાય. હા કદાચ અત્યારે આ દિવાસ્વપ્નું લાગે પરંતુ ભૈરવી જોશી જોડે તમે વાત કરો તો ચોક્કસ લાગે કે સાયકલ એ જીવનનું અભિન્ન અંગ છે.
આખા ભારતભરમાં તમામ લોકો સાયકલ ચલાવી સ્વાસ્થ્ય સારું રાખે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી પણ કરે, શારીરિક વ્યાધિમાંથી પણ મુક્તિ મેળવે અને અનેક પ્રકારે જીનજીવનમાં નવો સંચાર થાય એ માટે સાયકલ મેયર તરીકે ઓળખાતા ભેરવી જોશી ખૂબ જ ઉત્સાહથી કામ કરી રહ્યા છે. સેલવાસ સિટીને પ્રથમ સાયકલિંગ સીટી તરીકે માન્યતા અપાવવા તેઓ પ્રયત્નશીલ છે. ભૈરવી જોશી સુરત, વડોદરા અને રાજકોટવાસીઓને પણ સાયકલ તરફ વાળવા કટિબધ્ધ છે. જેમાં સ્ટ્રીટ આર્ટ, ખુલ્લી શેરીમાં સાયકલિંગ, વિવિધ ગેમ્સ, સાયકલિંગ શિક્ષણ, ટ્રાફિક શિક્ષણ વગેરે પ્રવૃતિઓ કરતા નજરે ચડે છે.
તાજેતરમાં જ ભૈરવી જોશીએકેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા સાથે સાયકલ પેડલિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં 20 શહેરોની ટીમો મળી 400 સાયકલવીરોએ ભાગ લીધો હતો.
‘તમારા વિચારને બળતણ કરો’ અને ‘ઓઝોનવાયુ બચાવો’ જેવા એમના પુસ્તકો ચોમેર ખ્યાતી પામ્યા છે. આ ઉપરાંત નેધરલેન્ડ સ્થિત સોશિયલ એન્ટરપ્રાઇઝ બી.વાય.સી.એસ. ની ભારતની બીજી મહિલા સાયકલ મેયર બની ચૂકેલા ભૈરવી જોશીએ કોરોના કાળમાં વાર્તા, કવિતા અને ડ્રોઇંગ્સ જેવા સ્વરૂપોમાં વ્યક્ત કરાયેલા વિવિધ કથાઓ માટે પ્લેટફોર્મ પ્રદાન કરવાનું વિચાર્યું અને આ રીતે આ યુવા લેખકો માટે એક વિશ્વ ખોલ્યું હતું. જેમાં 300થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. જે પૈકી શ્રેષ્ઠ વાર્તાઓ અને કવિતાઓ પસંદ કરી અને તેમના કાર્યની ઈ-બુક પહોંચાડાઇ હતી. આ પ્રયાસની ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ પ્રશંસા કરી હતી, જે વલસાડ જિલ્લા માટે ગૌરવની વાત છે. દાદરા અને નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ત્રયમ્ ફાઉન્ડેશનના સહકારથી સાયકલ અંગેનું શિક્ષણ અને તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સંઘ પ્રદેશના પ્રશાસકના બાળકોના સ્વાસ્થ્ય માટેના વિશેષ આગ્રહથી પ્રેરિત થઈ દાદરા અને નગર હવેલી પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા ત્રયમ્ ફાઉન્ડેશનના સહકારથી તારીખ28/03/2022ના દિને પ્રાથમિક ગુજરાતી કેન્દ્ર શાળા ગલોંડા ખાતે સાયકલ અંગેનું શિક્ષણ તથા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામીણ વિસ્તારોમાં શાળાના બાળકો દ્વારા સાયકલ ચલાવવાના ફાયદા તથા મહત્વ વિશે ત્રયમ્ ફાઉન્ડેશન દ્વારા વિગતવાર સમજણ આપવામાં આવી હતી. શાળાના બાળકોમાં સાયકલ ચલાવવા વિશેના ઉત્સાહ વધવાથી તેઓ શાળાએ આવવા માટે પોતાના વાલીઓ ઉપર આધારિત રહેશે નહીં તથા તે દ્વારા ‘ડ્રોપ આઉટ’નો દર પણ ઘટાડી શકાશે. આગળ જતા પ્રદેશની તમામ ગ્રામિણ વિસ્તારની શાળાઓમાં આ કાર્યક્રમ દ્વારા શિક્ષકો તેમજ બાળકોને સાયકલ ચલાવવા વિશે અભ્યાસક્રમ દ્વારા તાલીમ આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.
જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અપૂર્વ શર્મા દ્વારા શિક્ષકો અને બાળકોને સાયકલ ચલાવવાની આદત દ્વારા લોકોમા સાયકલ ચલાવવા બાબત આદર્શ પુરો પાડવાની તથા દેશના અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપવા માટે હાકલ કરવામાં આવી હતી. કાર્યક્રમને અંતે મુખ્ય કાર્યકારી અધિકારી, કેળવણી અધિકારી તથા ત્રયમ્ ફાઉન્ડેશનના પ્રતિનિધિઓ દ્વારા બાળકો તેમજ શિક્ષકોની સાયકલ રેલીને પ્રતિરોહણ કરાવવામાં આવ્યું હતું, આ રેલીમાં બાળકો તેમજ શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના મુખ્યકાર્યકારી અધિકારી અપૂર્વ શર્મા, પ્રાથમિક શિક્ષણ વિભાગ દા.ન.હ.ના કેળવણી અધિકારી જયેશ ભંડારી, તમામ કેન્દ્ર શાળાઓના આચાર્યો, ખેલ સંયોજક તથા વ્યાયામ શિક્ષકો, ત્રયમ્ ફાઉન્ડેશનના ડૉ. ભૈરવી જોશી, ત્રયમ્ ફાઉન્ડેશન નિયામક અમિતા દેઢિયા, યોજના સંચાલક સ્વરુપા શાહ, સાયકલ મેયર વગેરે હાજર રહ્યા હતા.