-
વાપી નજીક કરમબેલી ટર્મિનલથી ફ્રેઈટ કોરિડોર મારફત દાનહના ઉદ્યોગોના 1200 ટન પોલીએસ્ટર યાર્નનું વહન 90 ટન 20 ફૂટ કન્ટેઈનરોમાં પાણીપત માટે કરાયું
-
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિકોણને સાકાર કરી વેપાર માટે પ્રદાન કરેલી માલ વહનની સરળ સુવિધા
-
પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્યા રહાટકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ દીપેશ ટંડેલે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની વચનબધ્ધતાની કરેલી સરાહના
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.06: ‘‘વાદા કિયા તો નિભાના હી પડેગા” આ કોઈ ફિલ્મી ગીતની પંક્તિ નથી, પરંતુ દેશની વર્તમાન મોદી સરકારે શરૂ કરેલી પરંપરાની અનુભૂતિ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ થઈ રહી છે. ગત દાદરા નગર હવેલીની લોકસભા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન ભાજપ હાઈકમાન્ડ દ્વારા કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવને સંઘપ્રદેશના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. તે સમયે તેમણે દાદરા નગર હવેલીના લોકોને આશ્વાસન આપ્યું હતું કે, તમે ભાજપનેવિજયી બનાવો તમને એક નહીં બે બે સાંસદ મળશે. એટલે કે, શ્રી અશ્વિની વૈષ્ણવે પોતે પણ દાદરા નગર હવેલીના સાંસદ તરીકે સમર્પિત થવાનો ભરોસો આપ્યો હતો.
ગત લોકસભાની પેટા ચૂંટણીમાં પરિણામ વિપરીત આવવા છતાં ચૂંટણી પ્રચાર દરમિયાન સ્થાનિક લોકો અને ઉદ્યોગપતિઓને રેલવે તથા દૂરસંચાર સંબંધિત લાંબા સમયથી પડતર સમસ્યાના ઉકેલ માટે આપેલા વચનને યાદ રાખી કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે તેના નિરાકરણની શરૂઆત કરી છે. આ પ્રકારની વચનબધ્ધતા ફક્ત અને ફક્ત મોદી સરકાર અને ભાજપમાં જ શક્ય હોવાની પ્રતિતિ પણ લોકોને કરાવી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃષ્ટિકોણને સાકાર કરી વેપાર કરવા માટે સરળતા રહે તે હેતુથી રેલ મંત્રાલયે શ્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વમાં ડોર ટૂ ડોર લોજીસ્ટિક્સ પ્રદાન કરવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. પરિવહનના સસ્તા, ઝડપી, સુરક્ષિત, વિશ્વસનીય અને પર્યાવરણ માટે અનુラકૂળ સાધન હોવાથી રેલવે દ્વારા ઔદ્યોગિક ઉત્પાદનોના પરિવહન માટે ઉદ્યોગોને સુવિધાજનક સેવા પ્રદાન કરવાના હેતુથી મુંબઈથી દિલ્હી સુધી ફ્રેઈટ કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે. આ કડીમાં હાલમાં જ દાદરા નગર હવેલી વિસ્તારના ઉદ્યોગોના 90 ટન 20 ફૂટ કન્ટેઈનરોમાં 1200 ટન પોલીએસ્ટર યાર્ન લઈ જનારી પહેલી ટ્રેન તા.3સપ્ટેમ્બરના રોજ વાપી નજીક આવેલ કરમબેલી ટર્મિનલથી પાણીપત માટે રવાના થઈ હતી. આ માલવાહક પ્રવાસને પૂર્ણ કરવામાં ટ્રેનને 38 થી 40 કલાક લાગવાની સંભાવના છે જ્યારે ટ્રકો દ્વારા માલ વહન કરવાની સમયક્ષમતા લગભગ 82 થી 90 કલાકની રહે છે.
પાણીપતની મિન્ક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ધાબળા, કાર્પેટ અને અન્ય તૈયાર માલના ઉત્પાદન માટે પોલીએસ્ટર યાર્નનનો કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. દાનહમાં ભારતની સૌથી મોટી પોલીએસ્ટર ઈન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. જેથી ફ્રેઈટ કોરીડોરના માધ્યમથી માલવાહક ટ્રેન સેવાથી સમયની બચતમાં ખુબ ઘટાડો થવાથી દેશના ઉદ્યોગોને લાભ થશે અને ઉત્પાદનો અને તેની નિકાસને ઔર વધુ ઝડપી પ્રતિસ્પર્ધી બનાવવામાં મદદ મળશે.
આ પહેલાં મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પ્રદેશના ઉત્તર ભારતીયો અને રાજસ્થાનના લોકોની દાયકાઓ જૂની રેલ સંબંધિત માંગણી પુરી કરી બાન્દ્રા-ગોરખપુર હમસફર સુપર ફાસ્ટ અને સૂર્યનગરી સુપરફાસ્ટ ટ્રેનને વાપીમાં સ્ટોપેજ આપી દાનહ, દમણ, વાપી, વલસાડ, ઉમરગામ, ભિલાડના પ્રવાસીઓની યાત્રાને સરળ બનાવી છે.
તાજેતરમાં કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે દાનહના ઊંડાણના આદિવાસી વિસ્તારના અનેક ગામોને ઈન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે.
સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત કેન્દ્રીય મંત્રી દ્વારાઆપવામાં આવેલા વચનો પૂર્ણ કરવાની શરૂ થયેલી પરંપરા બદલ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ભાજપ પ્રભારી શ્રીમતી વિજ્યા રહાટકર અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આપેલા વચનો પૂર્ણ કરવા એ મોદી સરકારની ખાસિયત રહી છે. ભાજપ સરકાર પોતાના દરેક વચનો ઝડપથી પૂર્ણ કરતા આજે જનતામાં પોતાની વિશ્વસનીયતા પણ પેદા કરી છે.