(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.13: રાજ્ય સરકાર દ્વારા અમલી વિવિધ પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓ/વિકાસ કાર્યક્રમોની જાણકારી શહેરી, ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના લોકો સુધી પહોંચે તે માટે પરંપરાગત માધ્યમના કાર્યક્રમો પ્રચાર-પ્રસારનું અસરકારક માધ્યમ છે. પ્રગતિશીલ ગુજરાત રાજયની વિવિધ યોજનાઓનો બહોળો પ્રચાર થાય તે માટે જિલ્લા માહિતી કચેરી વલસાડ દ્વારા હાલમાં ચાલી રહેલા ગણેશ મહોત્સવમાં લોકડાયરાના માધ્યમથી લોકોમાં જાગૃતિ કેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. જેમાં વિવિધ કલા મંડળોને કાર્યક્રમોની ફાળવણી કરવામાં આવી છે. જેમને રાજ્ય સરકાર દ્વારા નિયત કરાયેલા પુરસ્કારની રકમ પણ આપવામાં આવે છે.
આ કલા મંડળો પૈકી બીલપુડીના પ્રગતિ મહિલા મંડળને પણ કાર્યક્રમોની ફાળવણીકરવામાં આવી હતી. જેમાં પારડી તાલુકાના પંચલાઈ અને નેવરી ગામે યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોનો બહોળો પ્રતિસાદ મળ્યો હતો. બંને ગામોના સરપંચોએ માહિતી ખાતા દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજી લોકોમાં જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે સરાહનીય છે, તેમ જણાવ્યું હતું. પ્રગતિ મહિલા મંડળના પ્રમુખ વનીતાબેન ગાવિતે મહિલાઓને લગતી વિવિધ યોજનાકીય જાણકારી આપી તેનો લાભ લેવા શું કરવું તેની પણ સમજણ આપી હતી. ચોમાસાની ઋતુમાં વિવિધ રોગો સામે રક્ષણ મળે તે માટે રાખવાની તકેદારી બાબતે પણ માહિતગાર કર્યા હતા.
વલસાડ જિલ્લામાં લોકડાયરા, ભવાઈ, કઠપૂતળી, નાટક વગેરે ક્ષેત્રમાં કામ કરતા મંડળો તેમના માધ્યમ થકી રાજ્ય સરકારની યોજનાઓના પ્રચાર પ્રસારના કાર્યક્રમમાં સહભાગી થવા માંગતા હોય તેમણે જિલ્લા માહિતી કચેરી, સેવા સદન 1, ધરમપુર રોડ, વલસાડનો સંપર્ક સાધવાનો રહેશે.