અકસ્માતમાં બંને વ્યક્તિ ઈજાગ્રસ્તઃ ટેમ્પો ચાલક ફરાર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.04
દાદરા નગર હવેલીના દાદરા ગામે મેઈન રોડ ઉપર એક રાહદારીને આઈશર ટેમ્પોએ ટક્કર મારતા અને એક બીજો મોપેડ સવાર ટેમ્પોમાં અથડાતા અકસ્માતમા બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર દાદરા વાપી મેઈન રોડ પર બપોરે એક રાહદારી પસાર થઇ રહ્યો હતો. જેને આઇસર ટેમ્પોના ચાલકે ટક્કર મારતા નીચે પટકાયો હતો. આ અકસ્માત દરમ્યાન ટેમ્પો ચાલકે બ્રેક મારતા પાછળ મોપેડ સવાર પણ ટેમ્પો સાથે ટકરાયો હતો. જેને કારણે એ પણ મોપેડ પરથી નીચે પટકાતા ઈજાગ્રસ્ત થયો હતો.
આ ઘટના જોતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી.
ઘટના સ્થળે પોલીસ પહોંચે તે પહેલા આઈશર ટેમ્પોચાલક ટેમ્પો લઈને ભાગી ગયો હતો. ઈજા પામેલ બન્ને વ્યક્તિઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.