39 વર્ષથી પડતર રસ્તાનું નિર્માણ સ્વયં ગ્રામ લોકોએ પોતાના શ્રમદાનથી કરી પ્રશાસન, સાંસદ, જિલ્લા પંચાયત તથા ગામના સરપંચ સામે પણ બેસાડેલો દાખલો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.11
દાનહના અંતરિયાળ દુધની ગામના ચોકીપાડા, દેવીપાડા, મેડસિંગી, જૈટી, ટોકરપાડા વગેરેની પ398 જેટલી વસ્તીવાળા વિસ્તારમાં સ્મશાનભૂમિ સુધી જવાના છેલ્લા 39 વર્ષથી પડતર રસ્તાનું નિર્માણ સ્વયં ગ્રામ લોકોએ પોતાના શ્રમદાનથી કરી સાંસદ, જિલ્લા પંચાયત તથા ગામના સરપંચ સામે પણ દાખલો બેસાડયો છે.
ગામ લોકોએ પોતાના શ્રમદાનનો નિર્ણય કરતા 39 વર્ષ પસાર થયા પરંતુ પ્રશાસન, સાંસદ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત પણ લોકશક્તિ સામે પાણી ભરતું હોવાની પ્રતિતિ પણ થઈ છે.
આ વિસ્તારના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગામમાં મરણ પ્રસંગે સ્મશાનમાં જવા માટે ઘણી જ સમસ્યા છે. 1983થી 2022 સુધી હાલ 39 વર્ષ પુરા થવા છતાં પણ દૂધની ચોકીપાડામા આવેલ સ્મશાનનો રોડ જે ચારસો મીટર છે તે હજી સુધી બન્યો નહી હતો.
આ વિસ્તારમા રહેતા લોકોને મરણ પ્રસંગેસ્મશાનયાત્રા દરમિયાન તકલીફનો સામનો કરવો પડે છે તે બાબતને ધ્યાનમાં લઈને ગ્રામજનો એકજૂથ થઈ એમના ઘરોમાં જે કોઈ સાધનો જેવા કે પાવડા, તગારા, કોદાળી વડે પથ્થર, માટી અને રેતી વગેરેથી ડામર રોડ તો નહિ પણ પગવટો કાચો રોડ સમારકામ કરી તૈયાર કરવાનુ કાર્ય કર્યું છે.
આ બાબતે ગામના આગેવાનો તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા પ્રશાસનના અધિકારીઓને પણ છેલ્લા 39 વર્ષથી વારંવાર રજૂઆતો કરવામા આવી હતી. કોઈએ પણ આ રસ્તાનો ઉકેલ નહી લાવતા ‘નહી શાસન પાવર, નહી પ્રશાસન પાવર, ફક્ત જનતા પાવર, જાત મેહનત જિંદાબાદના સૂત્ર સાથે દૂધની ચોકીપાડા વિસ્તારના નાના બાળકો, યુવાઓ, મહિલાઓ, પુરુષો અને વડીલોએ પહેલ કરી એકજૂથ થઈ કાચા રસ્તાનું નિર્માણ કરી એક પ્રેરણાદાયી અને સરાહનીય કાર્ય કર્યુ હોવાની લાગણી પણ વ્યક્ત થઈ રહી છે.