વાપી સિંધી એસો.ના પ્રમુખ રાણી લછવાણી, ચેરમેન મોહન રાય સિંઘાની, પ્રોજેક્ટ ચેરમેન ડો. ચિરાગ ટેકચંદાની તથા ટ્રસ્ટી અને પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દમણના પ્રેસિડેન્ટ રમેશ કુંદનાનીએ સિંધી સમાજના સિનિયર ન્યુરોસર્જન વાસુદેવ ચંદવાનીએ ચમત્કારિક સર્જરીથી એક બાળકને આપેલા જીવનદાનથી પ્રેરિત થઈ વાપી દમણ સેલવાસના 26 પ્રતિષ્ઠિત ડોક્ટરોને સન્માનિત કરવાનો લેવાયેલો નિર્ણય
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.23 : ગત રવિવારે વાપીમાં ઉપાસના સ્કૂલના સભાખંડમાં વાપી સિંધી એસોસિએશન અને રૉક એન્ડ બાઉલના સંયુક્ત ઉપક્રમે તબીબોની ઉત્તમ સેવા બદલ તેમને સન્માનવા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાપી અને આજુબાજુ વિસ્તારના દર્દીઓને મૃત્યુના મુખમાંથી બચાવી નવજીવન બક્ષનારા 26 જેટલા તબીબોને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તબીબોને સન્માનિત કરવાના આ સમારંભ અંગે વાપી સિંધી એસોસિએશનના અધ્યક્ષ શ્રી રાણી લછવાણી, ચેરમેન શ્રી મોહન રાયસિંઘાની, પ્રોજેક્ટ ચેરમેન ડૉ. ચિરાગ ટેકચંદાની, ટ્રસ્ટી તથા પોલીકેબ ઈન્ડસ્ટ્રીઝ દમણના પ્રેસિડેન્ટ શ્રી રમેશ કુંદનાનીએ જણાવ્યું હતું કે, હાલમાં જ સિંધી સમાજના સિનિયર ન્યુરોસર્જન ડૉ. વાસુદેવ ચાંદવાનીએ એક ચમત્કારિક સર્જરી કરી એક બાળકને જીવનદાન આપ્યું હતું. તેમની આ નિઃસ્વાર્થ સેવાએ સમસ્ત સિંધી સમાજને ગૌરવ અપાવ્યું છે. તેથી સિંધી સમાજે તેમને સન્માનિત કરવા સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં ફક્ત સિંધી સમાજના તબીબો જ નહીં પરંતુ વાપી, દમણ, સેલવાસમાં દર્દીઓને નવજીવન આપનાર અન્ય સમાજના તબીબોનું સન્માન કરવાનો પણ નિર્ણય લીધો હતો. એટલે સમાજના હિરોને સન્માનવા “Our Heroes White Coats” થીમ ઉપર 26 જેટલા નામી ડોક્ટરોને આ સમારંભમાં સન્માનિત કરાયા હતા. તમામને સંસ્થાના હોદ્દેદારો સમાજના અગ્રણીઓના હસતે સ્મૃતિ ચિહ્ન આપી તેમની સેવાને બિરદાવી હતી.
વાપી સિંધી સમાજે ડૉ. વાસુદેવ ચાંદવાની સહિત હરિયા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. એસ.એસ.સિંઘ, હરિયા હોસ્પિટલના અન્ય તબીબો, અગ્રવાલ આઈ. હોસ્પિટલ, ટ્વેન્ટી ફર્સ્ટ સેન્ચ્યુરી હોસ્પિટલ, જીવનદીપ હોસ્પિટલ, વાપીમાં તબીબી ક્ષેત્રે ઉત્તમ પ્રેક્ટ્સિ કરતા 26 જેટલા ડોક્ટરોને તેમના અસાધારણ યોગદાનને બિરદાવી સન્માનિત કરાયા હતા.
આ સન્માન સમારંભમાં સિંધી સમાજના ભાઈ-બહેનો અને બાળકોએ વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. જેમાં સિંધી સમાજની ઉત્પત્તિ, રહેણી-કરણી, રોજગાર અને સમાજને પ્રદાન કરેલા અમૂલ્ય યોગદાનની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી. આ સન્માન સમારંભમાં સિંધી સમાજના ફાઉન્ડર ટ્રસ્ટી નાનક મદદનાની, જૈસ ટેકચંદાની સહિત સમાજના દરેક વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.