બાલદા રેસિડન્સીમાં એક સાથે ચાર બંધ ઘરોના તાળા તૂટયાઃ ચાર જેટલા ઈસમો સીસી કેમેરામાં કેદ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.17
પારડી વિસ્તારમાં ફરી એકવાર ઘરફોડ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે. થોડા સમય પહેલા પારડી ટાઉન તથા આજુબાજુના વિસ્તારમાં લગભગ રોજ બરોજ ચોરીના બનાવો બનતા સ્થાનિક રહીશો તથા પારડી પોલીસ માટે માથાનો દુખાવો બની ગઈ હતી અને અનેક લોકો ચોરીના વારંવાર બનતા બનાવોથી કંટાળી પોતે પણ જાગરણ કરી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ ચોરોને પકડવાના ઝુંબેશમાં જોડાયા હતા. પરંતુ પારડીપોલીસ આ ચોરોને ઝભ્ભે કરવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ અચાનક જ રોજ બનતા ચોરીના બનાવો સદંતર રીતે બંધ થતાં લોકો તથા પારડી પોલીસે હાશકારો અનુભવ્યો હતો.
પરંતુ આ ચોરીનો સિલસિલો થોડો સમય રોકાયા બાદ ગઈકાલે રાતથી ફરી એકવાર બાલદા રેસીડેન્સી થી એક નહીં પરંતુ ચાર ચાર બંધ ઘરોના તાળા તોડી ચોરીનો સિલસિલો ચાલુ કરી એકવાર પોલીસને ચેલેન્જ ફેકી છે નિલેશભાઈ જીવરાજભાઈ પટેલ જેઓ બાલદા રેસિડન્સીમાં 83 નંબરના ઘરમાં રહે છે તેઓ ગઈકાલે પોતાની બહેનના ઘરે કેવાળા ખાતે હનુમાન જ્યંતીમાં ગયા હતા. આ દરમિયાન ચોરોએ તેમના ઘરનું તાળું તોડી ઘરનો સામાન વેરવિખેર કરી કબાટમાં મુકેલ ચાલીસ હજાર રૂપિયા ચોરી પલાયન થઈ ગયા હતા .
એવી જ રીતે આજ રેસિડન્સીમાં 87 નંબરમાં રહેતા મનોજભાઈ ગરાસીયા જેઓ પોતાના ગામ ગયા હતા 94 નંબરમાં રહેતા મહેન્દ્રભાઈ પંચાલ જેઓ મુંબઈ રહે છે અને 117નંબરમાં રહેતા બળવંતભાઈ ઠાકોરભાઈ જેઓ ગઈકાલે મહાલક્ષ્મી માતાજીના દર્શને ગયા હતા તેઓના ઘરે પણ ચોરોએ તાળા તોડી ઘરનો સામાન વેરવિખેર કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો
બાલદા રેસિડેન્સીમાં રાખેલ સીસીટીવીમાં ચાર જેટલા ચોરોની હરકત કેદ થઈ છે અને આચોરી 3 થી 3.30ની વચ્ચે થઈ હોવાનો ટાઈમ સી.સી.કેમેરામાં બતાવે છે. નસીબની બલિહારી તો જુઓ 3.30 વાગે 117 નંબરના ઘરમાં રહેતા બળવતભાઈના ઘરે ચોરી થાય છે અને 3.45 વાગે તેઓ મહાલક્ષ્મીથી ઘરે આવે છે આમ 15 મિનિટ પહેલાજ એમના ઘરે ચોરીનો બનાવ બને છે.એક સાથે ચાર ચાર ઘરોમાં ચોરી કરી ચોરોએ પોલીસને ફરી એકવાર ચેલેન્જ ફેકી છે પરંતુ આ વખતે પારડી પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ જુદી છે.
હાલમાં પારડી પોલીસને પીઆઇ કક્ષાનો પોલીસ સ્ટેશનનો દરજ્જો મળ્યો હોય ખુબજ બાહોશ અને યુવાન તથા દરેક પરિસ્થિતિથી વાકેફ એવા પીઆઇ મળ્યા હોય તેઓ પોતાની સમગ્ર ટીમ સાથે કંઈક નવા જ પ્લાન બનાવી આ વખતે ચોરોને ઝબ્બે કરવામાં સફળતા પ્રાપ્ત થશે હાલના સંજોગોમાં એવું લાગી રહ્યું છે.