ડીએનએચ-ડીડી પીડીસીએલનો વહીવટ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો : પ્રશાસન હસ્તકના વિદ્યુત વિભાગના સંચાલન દરમિયાન ભાગ્યે જ આ રસ્તા ઉપર લાઈટો જતી હતી: કચીગામ રોડ ઉપર મોડી રાત્રિ સુધી લોકો અને વાહનોની રહેતી અવરજવર
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.18
નાની દમણના કચીગામ બોર્ડરથી ચાર રસ્તા સુધી છેલ્લા એકાદ સપ્તાહથી સ્ટ્રિટ લાઈટ બંધ રહેવાથી લોકોને ભારે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે અને અકસ્માત સર્જાવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે.
કચીગામ વિસ્તાર ઔદ્યોગિક રીતે પણ ધબકતો હોવાથી આ રસ્તા ઉપર મોડી રાત્રિ સુધી લોકો અને વાહનોની અવરજવર રહે છે. મુખ્યત્વે શ્રમજીવી વર્ગના લોકો આ રસ્તા ઉપર મોટી સંખ્યામાં પસાર થતા હોય છે. ત્યારે એક સપ્તાહથી સ્ટ્રિટ લાઈટ નહી હોવાથી લોકો ડીએનએચ-ડીડી પીડીસીએલના વહીવટને પ્રથમ ગ્રાસે મક્ષિકા ગણી રહ્યા છે. કારણ કે સંઘપ્રદેશના વિદ્યુત વિભાગનાસંચાલન દરમિયાન ભાગ્યે જ આ રસ્તા ઉપર લાઈટો જતી હતી. તેથી ડીએનએચ-ડીડી પીડીસીએલ પોતાના વહીવટમાં સુધારો કરે એવી માંગ લોકોમાં વ્યક્ત થઈ રહી છે.