કાંઠા વિસ્તાર કોસંબામાં 5 થી 6 વીજ થાંભલા તૂટી પડતા વીજ પ્રવાહ ખોરવાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.20: વલસાડ જિલ્લામાં ચોમાસાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. જિલ્લાના તમામ વિસ્તારમાં ઓછો વત્તો વરસાદ છેલ્લા 24 કલાકમાં પડયો છે. બુધવારે રાત્રે વલસાડમાં મેઘરાજાએ ધુવાધાર બેટીંગ કરી હતી. એક સાથે વરસેલા વરસાદથી શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
વલસાડમાં સિઝનના પહેલા જ વરસાદી રાઉન્ડમાં શહેરમાં વરસાદે તારાજી સર્જવાની શરૂઆત કરી દીધી છે. બુધવારે પડેલા અતિશય વરસાદથી એમ.જી. રોડ ખત્રીવાડ, છીપવાડ, દાણાબજાર તથાછીપવાડ અંડરપાસ જેવા વિસ્તારો વરસાદી પાણીથી ગરકાવ થઈ ગયા હતા. પાલિકાની પ્રિમોન્સુન કામગીરીના ધજીયા વરસાદે ઉડાડી દીધા છે. બજારોમાં કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. હજુ તો વરસાદનો પ્રારંભનો જ તબક્કો છે ત્યારે શહેરની હાલત બેહાલ બની ચુકી છે ત્યારે ભર ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે તેની કલ્પના પણ ભયભીત લાગે છે. બુધવારે રાત્રીના વરસાદની અસર કાંઠા વિસ્તારમાં પણ જોવા મળી હતી. કાંઠા વિસ્તારના કોસંબા ગામે અતિશય વરસાદને લઈ પાંચથી છ વીજળી થાંભલા પડી ગયા હતા. તેથી કલાકો સુધી વીજ પ્રવાહ ખોરવાયો હતો. જો કે વીજ કંપનીએ બે-ત્રણ કલાકની જહેમત બાદ વીજ પ્રવાહ પૂર્વવત કરી દીધો હતો.