(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.04 : રાજભાષા વિભાગ, દમણ દ્વારા ‘‘હિન્દી પખવાડા” અંતર્ગત આજે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે ઝડપી કાવ્ય લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધાનો નાની દમણ સ્થિત સાર્વજનિક વિદ્યાલયમાં સવારે 11:00 વાગ્યાથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં દમણ જિલ્લાના અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ખુબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ અવસરે સ્પર્ધકોએ જણાવ્યું હતું કે, આ પ્રકારની સ્પર્ધાઓના આયોજન અને તેમાં ભાગ લેવાથી લેખન શૈલીમાં સુધારો આવે છે અને નવા નવા શબ્દોથી વાકેફ થવાના તક મળે છે તેમજ લેખન ક્ષેત્રે સર્જનાત્મકતા જળવાઈ રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજભાષા સચિવ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના માર્ગદર્શનમાં રાજભાષા વિભાગ, દમણ દ્વારા તા.2 સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર, 2024 સુધી ‘‘હિન્દી પખવાડા” મનાવવામાં આવી રહ્યું છે. જેના અંતર્ગત વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ રાખવામાં આવી છે.