ટેન્કરમાં જ્વલનશીલ કેમીકલ ભરેલું હતું તેથી આઈશર ટેમ્પો ધડાકાભેર અથડાતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતીઃ બન્ને વાહનો આગમાં સળગીને ખાખ થયા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.24
વાપી નેશનલ હાઈવે 48 ઉપર જલારામ મંદિર સામે આજે રવિવારે મળસ્કે જવલનશીલ કેમીકલ ભરેલી ઉભેલા ટેન્કર સાથે પુર ઝડપે આવી રહેલ ટેમ્પો ભટકાતાઅકસ્માતમાં ભિષણ આગ લાગી હતી. આગમાં ટેમ્પો ડ્રાઈવર બળીને ભડથું થઈ ગયો હતો તેમજ બંને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા.
વાપી નેશનલ હાઇવે 48 ઉપર જલારામ મંદિર સામે મુંબથી અમદાવાદ જતી ટ્રેક ઉપર આજે મળસ્કે ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. હાઈવે ઉપર સાઈડ કરી પાર્ક કરેલી ટેન્કર ઉભી હતી ત્યારે પાછળથી પુરઝડપે આવેલ ટેમ્પો, ટેન્કર સાથે ધડાકાભેર ભટકાયો હતો. ટેન્કરમાં જવલનશીલ કેમીકલ ભરેલું હોવાથી ક્ષણમાં આગ ભભૂકી હતી. આગમાં બન્ને વાહનો સપડાઈ ચૂક્યા હતા. ટેમ્પો ડ્રાઈવર કેબીનમાંજ આગની લપેટમાં ભડથું થઈ ચૂક્યો હતો. મળસ્કે સાડા ચાર વાગ્યાના સુમારે ઘટેલી ઘટનામાં બન્ને વાહનો આગમાં ભડભડ બળી રહેલા દૃશ્યો જોઈને આવતા જતા વાહનોની કતાર લાગી ગઈ હતી. બીજી તરફ ઘટનાની જાણ વાપી અને નોટીફાઈડ ફાયરને કરવામાં આવતા ઘટના સ્થળે ત્રણ ગાડી ધસી આવી આગ બુઝાવવાની જહેમત આરંભી દીધી હતી. વાપી ટાઉન પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો તેમજ ટ્રાફિક જામની કવાયત હાથ ધરી હતી. પોલીસે અકસ્માતની વધુ તપાસ હાથ ધરી હતી. મૃત્યુ પામનાર ડ્રાઈવરની વિગતો તપાસ બાદ જાણવા મળશે અન્ય ઘાયલો સારવાર માટે ખસેડાયા હતા.