-
આગામી સમયમાં યુવાનોની શક્તિને નવી દિશા આપવા પ્રશાસન દ્વારા તૈયાર થઈ રહેલા અનેક કાર્યક્રમોઃ નવિનભાઈ પટેલ જિ.પં.પ્રમુખ
-
વોલીબોલ ટૂર્નામેન્ટમાં નવા જમ્પોર ચેમ્પિયનઃ જય સોપાની બારિયાવાડ રનર્સ અપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.29
દમણ જિલ્લા પંચાયત દ્વારા આયોજીત ગ્રામીણ રમતોત્સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા રમાડવામાં આવી રહેલ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલમાં આજે સોપાની માતા બારિયાવાડની ટીમનો વિજય થયો હતો. જ્યારે શ્રી શક્તિ યુવક મંડળ ભાઠૈયા રનર્સ અપ બનીહતી.
વોલીબોલની ટૂર્નામેન્ટમાં નવા જમ્પોરની ટીમ ચેમ્પિયન બની હતી અને રનર્સ અપ તરીકે ભાઠૈયાના શ્રી શક્તિ યુવક મંડળની ટીમ રહી હતી.
આજે નાયલા પારડી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ઈનામ વિતરણ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નવિનભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની યુવાલક્ષી નીતિના કારણે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ ગ્રામીણ રમતોત્સવનું આયોજન શક્ય બન્યું છે. તેમણે અગામી સમયમાં ખુબ જ આયોજનપૂર્વક યુવાનોની સુષુપ્ત શક્તિને બહાર લાવવા માટે સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિવિધ કાર્યક્રમો થનારા હોવાની પણ જાણકારી આપી હતી. તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા વિવિધ સેવાકીય કામોની પણ પ્રશંસા કરી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓ, ગ્રામજનો, દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના સહિત સ્ટાફ તથા અન્ય રમતપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.