કોઈપણ મોટામાં મોટો અધિકારી કે નાનામાં નાનો કર્મચારી અથવા ચૂંટાયેલા લોક પ્રતિનિધિ દ્વારા પણ લાંચ મંગાતી હોય તો જાણકારી આપવા સીબીઆઈના એસ.પી. રાજેશ કુમારે કરેલી અપીલ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ-સેલવાસ, તા.26
આજથી દેશની સર્વોચ્ચ તપાસ સંસ્થા સીબીઆઈના બે દિવસના જાગૃતિ અને ફરિયાદ કેમ્પનો આરંભ મોટી દમણના ઢોલર વીઆઈપી સરકિટ હાઉસ અને સેલવાસ ખાતે દમણગંગા સરકિટ હાઉસ ખાતે થયો છે.
આજે દમણ ખાતે સીબીઆઈની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના એસ.પી. રાજેશ કુમારે પત્રકારો સાથે વાતચીત કરતાજણાવ્યું હતું કે, અહીંના લોકોને સીબીઆઈની ઓફિસ મુંબઈ ખાતે હોવાથી દૂર પડે છે અને ત્યાં સુધી જઈને ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. તેથી સીબીઆઈએ લોકો પાસે પહોંચવાની પહેલ કરી છે. જેની કડીમાં આ બે દિવસના કેમ્પનું આયોજન કરાયું છે અને અગામી બે સપ્તાહ બાદ ફરીથી આ પ્રકારના કેમ્પનું આયોજન કરનારા હોવાની પણ માહિતી આપી હતી.
સીબીઆઈના એસ.પી. શ્રી રાજેશ કુમારે જણાવ્યું હતું કે, મોટામાં મોટો સિનિયર અધિકારી હોય કે જુનિયર અધિકારી હોય અને લાંચ માંગતો હોય તો તેની જાણકારી આપવા અપીલ કરી છે અને પોતાની જ્ઞાત આવકના સાધનો કરતા વધુ સંપત્તિ ભેગી કરી હોય એવા અધિકારીની અને ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓની પણ જાણકારી આપવા જણાવાયું છે.