કથા મંડપમાં દિવંગત પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ અને પટેલ સમાજના અગ્રણી મોહનભાઈ પટેલ અને તેમના ધર્મપત્નીની તસવીર જોઈ દમણ-દીવ સાંસદ લાલુભાઈ પટેલની અશ્રુભીની બનેલી આંખો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.10
આજથીજરીરીમાતા અને નીલકંઠ મહાદેવ ભક્ત મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવશે. જેમાં દેવુભાઈ જોષીની ઉપસ્થિતિમાં દર્શનભાઈ જોશી ભાવિકભક્તોને કથાનું રસપાન કરાવશે.
આજે પૂર્વ કાઉન્સિલર જયંતિભાઈ પટેલના ઘરેથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. કાઉન્સિલર અનીતા બેન પટેલે પોતાના માથા પર પોથી રાખી હતી અને ભક્તો સાથે પોથી કથામાં મંદિર સુધી પહોંચાડી હતી. જ્યાં વ્યાસપીઠ પરથી કથાની શરૂઆત કરવામાં આવી હતી.
આ અવસરે દમણ-દીવના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ પણ કથા સ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેમણે વ્યાસપીઠ ઉપર બિરાજમાન શ્રી દર્શનભાઈ જોશીનું સ્વાગત કર્યુ હતું અને શ્રી જયંતિભાઈ પટેલ સહિત તેમની સંપૂર્ણ ટીમને કથાના આયોજન માટે શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે પિતૃઓના મોક્ષ માટે મુકવામાં આવેલી તસવીરોને નમન કર્યા હતા, ત્યાં મુકવામાં આવેલ સ્વ. પૂર્વ સાંસદ શ્રી ડાહ્યાભાઈ પટેલ અને પટેલ સમાજના અગ્રણી શ્રી મોહનભાઈ પટેલ અને તેમની ધર્મ પત્નીની તસવીર જોઈ સાંસદ શ્રી લાલુભાઈ પટેલની આંખો અશ્રુભીની બની હતી. તેમણે આ કથાથી દમણ-દીવમાં રહેનારા તમામને સુખ, શાંતિ પ્રાપ્ત થાય તેવી કામના સાથે સર્વે પિતૃઓને મુક્તિ માટે પ્રાર્થના કરી હતી
આકથા 16મે સુધી દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા સુધી ચાલશે. દમણની જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો આનંદ માણવા શ્રી જયંતિભાઈએ અપીલ કરી છે.