સંઘપ્રદેશના ઈતિહાસમાં પહેલી વખત એક જ પ્રવાસમાં પ્રદેશના ત્રણેય જિલ્લામાં રાષ્ટ્રપતિ મહોદયના પાવન પગલાં પડશે
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને કૃપાદૃષ્ટિથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની છેલ્લા 8 વર્ષમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, માળખાગત, ઔદ્યોગિક તથા પ્રવાસન ક્ષેત્રે કરેલી કાયાપલટની રાષ્ટ્રીય અને વૈશ્વિક ક્ષેત્રે લેવાઈ રહેલી નોંધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.11 : આવતી કાલ તા.12મી નવેમ્બરના રોજ મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની મુલાકાતે આવી રહ્યા છે. સંઘપ્રદેશના ઇતિહાસમાં પહેલી વખત પ્રદેશના ત્રણેય જિલ્લામાં રાષ્ટ્રપતિ મહોદયના પાવન પગલાં પડશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આવતી કાલ તા.12મી નવેમ્બરના રોજ રાષ્ટ્રપતિ મહોદય શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું બપોર બાદ દમણમાં આગમન થશે. તેઓ દમણમાં એવીઅરી(પક્ષીઘર), એન્જિનિયરીંગ કોલેજ તથા નમો પથની મુલાકાત લઈ નિરીક્ષણ કરશે.
બીજા દિવસે 13મી નવેમ્બરના રોજ દાદરા નગર હવેલી પહોંચી ત્યાં વિવિધ વિકાસીય પ્રોજેક્ટોનું નિરીક્ષણ તથાકેટલાક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરવાના હોવાની માહિતી મળી રહી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ મહોદય દીવ જવા માટે પ્રસ્થાન કરશે. દીવમાં પણ વિવિધ વિકાસીય પ્રોજેક્ટોનું નિરીક્ષણ કરશે.
અત્રે યાદ રહે કે, ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં દેશના બંધારણીય સર્વોચ્ચ વડા એવા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂનું આગમનથી સમગ્ર રાષ્ટ્રમાં પ્રદેશે બનાવેલી પોતાની આગવી શાખની પ્રતિતિ કરાવે છે. સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદ અને કૃપાદૃષ્ટિથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની છેલ્લા 8 વર્ષમાં આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, માળખાગત, ઔદ્યોગિક તથા પ્રવાસન ક્ષેત્રે કરેલી કાયાપલટની નોંધ લેવાની ફરજ આજે સમગ્ર રાષ્ટ્રની સાથે વિશ્વને પણ પડી રહી છે.