(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગના ‘સમગ્ર શિક્ષા’ અભિયાન અંતર્ગત વૈદિક ગણિત ફોરમ ઇન્ડિયા કોલકત્તાના સંયુક્ત ઉપક્રમે ધોરણ 6થી 10 સુધીના વિદ્યાર્થીઓને ભણાવતા દાનહના શિક્ષકો માટે પાંચ દિવસીય તાલીમ શિબિરનો શુભારંભ આજે સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લાના હસ્તે ઉદ્ઘાટન કરીને કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શિક્ષણ અધિકારી રાજેન્દ્ર મોહિલે, બી.આર.પી. શ્રી કેયુર ગોહિલ, વૈદિક ગણિત ફોરમ ઇન્ડિયા કોલકત્તાના માસ્ટર ટ્રેનર શ્રી ગૌરવ ટેકરીવાલ, શ્રી વિજય કુલકર્ણી, સેષુ રાલાબનડી, ડૉ. ઋષિકેશ ઠક્કર, મિસ પ્રિયલ પટેલ અને વૈદિક મેથ્સ ફોરમ ઇન્ડિયાના કો-ઓર્ડીનેટર અનુશ્રી ટેકરીવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વૈદિક મેથ્સ ફોરમ ઇન્ડિયાના ઓનર શ્રી ગૌરવ ટેકરીવાલને ‘મન કી બાત’માં આમંત્રિત કર્યા હતા અને એમને વૈદિક મેથ્સ વિષયમાં રુચિ કેવી રીતે વધી અને તેઓ કેવી રીતે તાલીમ આપે છે એ અંગે દેશને અવગત કરાવ્યા હતા. જેઓ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ બ્લોક, સરકારી માધ્યમિક શાળાફલાંડી અને સરકારી માધ્યમિક શાળા મસાટ ખાતે વૈદિક ગણિત વિષય ઉપર શિક્ષકોને તાલીમ આપવા માટે માસ્ટર ટ્રેનર તરીકે ખાસ ઉપસ્થિત થયા છે. અત્રે આયોજીત પાંચ દિવસી શિક્ષક તાલીમ શિબિરમાં વૈદિક મેથ્સ ફોરમ ઇન્ડિયાના ઓનર શ્રી ગૌરવ ટેકરીવાલની ટીમ દ્વારા ધોરણ 6 થી 10 સુધીના વિદ્યાર્થીઓને ગણિત અને વિજ્ઞાન ભણાવતા શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવશે.
કહેવાય છે કે, ગણિત દરેક માટે અઘરો વિષય છે, પરંતુ આ તાલીમ દરમ્યાન શિક્ષકોને વૈદિક ગણિત વિષયની સરળ રીતે સમજ આપવામાં આવશે જેથી તેઓ વિદ્યાર્થીઓને પણ સરળતાથી ભણાવી શકશે અને ગણિત વિષયમાં અઘરી લાગતી સમસ્યાઓને હલ કરી શકશે.
