-
પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવની દરેક ક્ષેત્રે લીધેલી માવજતથી પ્રભાવિત બની મોદી સરકારેલક્ષદ્વીપનો પણ સુપ્રત કરેલો હવાલો
-
દાનહ અને દમણ-દીવ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં અહીંની સમસ્યા અને વિવિધતા મોટા રાજ્યોથી ઓછી નથી અને દેશની સુરક્ષાની સાથે વિકાસની દૃષ્ટિએ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનું વ્યુહાત્મક મહત્વ ઓછું નથી
ભારતની રાજનીતિમાં રાજધાની દિલ્હી સિવાય કેન્દ્ર શાસિત પ્રદેશોની કોઈ ગણના નહીં થતી હતી. તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોએ ગૃહ મંત્રાલયના આશ્રિત બનીને કામ કરવા પડતું હતું. ફક્ત કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સ્તરના અધિકારીનો સીધો દબદબો કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટમાં રહેતો હતો અને વિકાસની બાબતોમાં પણ કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપેક્ષિત રહેતા હતા. પરંતુ 2014માં દેશમાં મોદી સરકારના થયેલા ગઠન બાદ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની દશા અને દિશામાં જમીન આસમાનનું પરિવર્તન આવ્યું છે. જેની શરૂઆત દાદરા નગર હવેલી અને દમણ-દીવથી થવા પામી છે.
મોદી સરકારે પોતાની બીજી ઈનિંગમાં કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જમ્મુ અને કાશ્મિર તથા લદ્દાખનો ઉમેરો કરતા અને દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિલય કરી એક નવા કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે કરેલા ગઠન બાદ દેશમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના વહીવટ ઉપર પણ તમામની નજર મંડાયેલી છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દાદરા નગરહવેલી અને દમણ-દીવની બુનિયાદી સમસ્યા તથા જરૂરી વિકાસની સંભાવનાઓથી પરિચિત હોવાના કારણે તેમણે પ્રાયોગિક ધોરણે ઓગસ્ટ, 2016માં પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલની વરણી કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. શરૂઆતમાં દમણ-દીવ અને ત્યારબાદ દાદરા નગર હવેલીનો અખત્યાર સોંપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પરખ કરી હતી. શ્રી પ્રફુલભાઈ પટેલે દાદરા નગર હવેલી અને દમણ-દીવની લીધેલી માવજતથી પ્રભાવિત બની પ્રધાનમંત્રીએ તેમને લક્ષદ્વીપનો પણ અખત્યાર સોંપ્યો છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશ હોવા છતાં અહીંની સમસ્યા અને વિવિધતા મોટા રાજ્યોથી ઓછી નથી. દેશની સુરક્ષાની સાથે વિકાસની દૃષ્ટિએ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપનું વ્યુહાત્મક મહત્વ ઓછું નથી. પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની કરેલી કાયાપલટ બેનમૂન છે. તેમણે ફક્ત માળખાગત સુવિધાના ક્ષેત્રે જ પરિવર્તન નથી કર્યું. પરંતુ પ્રદેશના લોકોની વૈચારિક શક્તિમાં પણ પરિવર્તન લાવ્યા છે.
લક્ષદ્વીપમાં પણ શરૂ કરેલા પરિવર્તનની આંધીથી પડોશના દેશ માલદીવ્સના પ્રવાસન ઉદ્યોગને ખતરો પેદા થવાની આવેલી નોબતથી તેઓ પણ પરેશાન છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથાલક્ષદ્વીપની થઈ રહેલી કાયાપલટ પાછળ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાને મૂર્ત સ્વરૂપ આપવાનું કામ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે ખુબ જ બેખૂબીથી નિભાવ્યું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલ હજુ જેટલો પણ સમય રહેશે તેટલો આ પ્રદેશના ફાયદામાં જ રહેશે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની લાગણીનું પ્રતિબિંબ આ પ્રદેશમાં ખુબ જ ચોક્સાઈથી પાડવા તેઓ સફળ રહ્યા છે.
આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવની વૈશ્વિક ક્ષેત્રે ઓળખ બદલાઈ ચુકી છે. પ્રવાસીઓ પણ પોતાના પરિવાર સાથે આ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશની છાશવારે મુલાકાત લેતા થયા છે. જેનો ફાયદો પણ પ્રદેશના લોકોને અને પ્રવાસન ઉદ્યોગને મળી રહ્યો છે. લક્ષદ્વીપની સ્થિતિ પણ આવતા દિવસોમાં ખુબ જ ભવ્ય થવાની છે અને વિશ્વના બીજા માલદીવ્સ તરીકે સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે એમાં કોઈ મીનમેખ નથી.
દેશના ઈતિહાસમાં પહેલી વખત શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવા પ્રધાનમંત્રી મળ્યા છે કે જેઓ એક તસૂભાર ગણાતા દાદરા નગર હવેલી દમણ-દીવ લક્ષદ્વીપ સહિત તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોની ફક્ત ચિંતા જ નથી કરતા પરંતુ ત્યાંના વહીવટથી પણ સીધા માહિતગાર રહે છે. જેનો ફાયદો કેન્દ્ર શાસિત પ્રદેશના લોકોનેવિવિધ યોજનાઓ દ્વારા મળી રહ્યો છે.
સોમવારનું સત્ય
સંઘપ્રદેશ દમણ-દીવના છેલ્લા આઈ.એ.એસ. પ્રશાસક તરીકે શ્રી વિક્રમ દેવ દત્ત અને દાનહના છેલ્લા અને પહેલાં પ્રશાસક તરીકે આઈ.એ.એસ. શ્રી મધુપ વ્યાસ હંમેશા યાદ રહેશે. કારણ કે, તેમના પછી આવેલા નોન આઈ.એ.એસ. શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના તમામ આઈ.એ.એસ. પ્રશાસકોના રેકોર્ડ તોડી નાંખ્યા છે અને વહીવટ કોને કહેવાય તેની નવી વ્યાખ્યા પ્રદેશમાં ઉત્પન્ન કરી છે. આઈ.એ.એસ. પ્રશાસકોની દોડ ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સુધી રહેતી હતી. તેથી ઘણી વિકાસ યોજનાઓ ખોરંભે પડતી હતી અથવા તેમાં ગતિ નહીં આવતી હતી. પરંતુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંઘપ્રદેશ માટે કરેલી નવી વ્યવસ્થા બાદ સાચા અર્થમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું નવું અવતરણ થયું છે અને પ્રદેશ બદલાઈ ચુક્યો છે.