(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.23
પશુ તબીબની ત્રણ જગ્યા ખાલી છે. તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્યા છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ચીખલી તાલુકામાં ખેતી સાથે પશુપાલનનો વ્યવસાય પણ મોટાપાયે વિકસિત થયેલો છે અને ગાય, ભેંસ જેવા દુધાળા પશુઓની સંખ્યા વિશેષ છે અને અનેક પરિવારો પશુપાલનના વ્યવસાયથી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે. ચીખલી તાલુકામાં ચીખલી, રાનકુવા, રૂમલા અને રાનવેરી કલ્લા એમ ચાર જેટલા સરકારી પશુ દવાખાના કાર્યરત છે અને તાલુકાના 67 ગામોમાં 97હજાર જેટલા પશુઓની સંખ્યા છે. પરંતુ ચાર પશુ દવાખાના પૈકી ચીખલીમાં માત્ર એક જ દવાખાનામાં પશુચિકિત્સક છે. જ્યારે ત્રણ જેટલી જગ્યાઓ ખાલી છે.
ઉપરોક્ત સંજોગોમાં પશુઓ બીમાર થાય કે અન્ય કોઈ તકલીફ ઊભી થાય તો સમયસર સારવારનો અભાવ રહેતો હોય છે. બીજી તરફ ખાનગી તબીબો પાસે સારવારમાં પશુપાલકોને વધુ ખર્ચ થતો હોય છે. સમયસર સારવારના અભાવે ઘણીવાર લાખો રૂપિયાનું પશુધનમાંથી હાથ ધોવાનો વારો આવતો હોય છે. જેને પગલે પશુપાલકોને આર્થિક ફટકો પણ લાગતો હોય છે. ત્યારે પશુપાલન વિભાગ દ્વારા તાલુકામાં પશુચિકિત્સકોનીખાલી તમામ ત્રણ જગ્યાઓ પર નિમણૂક કરી દેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ રસ દાખવે તે જરૂરી છે.
ચીખલીના પશુચિકિત્સક કે.ડી.પટેલના જણાવ્યાનુસાર પશુ તબીબોના પ્રમોશનને પગલે ચીખલીમાં એક જ પશુ તબીબ છે. પરંતુ બદલીના હુકમો થતા ખાલી જગ્યાઓ પર નિમણૂક થઈ જશે.
તસવીર દિપક સોલંકી