માછીમારોને દરિયો નહીં ખેડવા સુચનો અપાયા : તા.28, 29, 30 વરસાદની આગાહી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27
આજે શુક્રવારે હવામાન ખાતાની આગાહી મુજબ વલસાડ જિલ્લાનો દરિયો તોફાની બન્યો હતો. 60 કિ.મી. ઝડપે તોફાની પવનો ફુંકાતા જિલ્લાના કાંઠા વિસ્તારને એલર્ટ જાહેર કરાયો હતો. તેમજ માછીમારોને કલેક્ટર દ્વારા દરિયો નહી ખેડવાની સુચના આપવામાં આવી હતી.
દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ અલગ અલગ જગ્યાએ પડયો હતો.સામાન્ય રીતે 1 જુન આસપાસ કેરળમાં ચોમાસુ પહોંચે છે અને દક્ષિણ ગુજરાતમાં 15 જુન પછી એવરેજ ચોમાસુ શરૂ થતુ હોય છે પરંતુ હાલના સમયમાં ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવી ગયો છે તેથી સદાય કરતા વહેલુ ચોમાસુ બેસવાનો અણસારો વર્તાઈ રહ્યો છે. ફિસરિઝ વિભાગ દ્વારા માછીમારોને ટોકન આપવાનું બંધ કરાયું છે તેમજ તા.30 સુધી દરિયો નહી ખેડવાની સુચના અપાઈ છે. હાલમાં અચાનક અરબી સમુદ્રમાં તોફાન અને પવનો ફુંકાવા આજે ચાલુ થયા હતા. તિથલ સહિતના દરિયા કિનારે પર્યટકોને નહી જવાની પણ સુચના વહીવટી તંત્રએ જારી કરી હોવાનું જાણવા મળ્યું છે.