(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.17 : દાદરા નગર હવેલીના બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના અંતર્ગત 704 લાભાર્થીઓને આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા દ્વારા ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં બોલતા કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા કેમિકલ અને ફર્ટિલાઈઝર મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ભૂતકાળની સરકાર દ્વારા ચલાવવામાં આવેલ ‘ઈન્દિરા આવાસ યોજના’નો ઉલ્લેખ કરતાં જણાવ્યુંહતું કે, ગામના છેવાડે ઈંટ અને માટીની દિવાલ અને તૂટેલા-ફૂટેલા લાકડા તથા છત ઉપર નળિયા નાંખીને કાચા મકાન બનાવી આપવામાં આવતા હતા. જે ભારે વરસાદ કે વાવાઝોડામાં પડીને ચોપટ થઈ જતા હતા. તે વખતે રાજનીતિ વાયદાના વેપાર ઉપર ચાલતી હતી. મત માટે થતી હતી. ચૂંટણીના સમયે ગરીબ કલ્યાણની વાતો કરાતી હતી. પરંતુ ગરીબી નહીં ગરીબ જ હટી જતાં હતા. આજે રાજનીતિ સમાજ માટે થઈ રહી છે, રાજનીતિ પ્રજાના કલ્યાણ માટે થઈ રહી છે. જે આજે 704 લાભાર્થીઓને ફાળવેલ મકાનની ક્વૉલીટી તથા તેમના રહેવા માટેની કરેલી ચિંતા ઉપરથી દેખાય આવે છે.
કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ સામાજિક અસમાનતાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, એકબાજુ અમીરોને ત્યાં સમૃદ્ધિ હોય અને બીજી બાજુ ગરીબોની લાચારીનો ઉલ્લેખ કરતા ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ કરસનદાસ માણેકની ખુબ જ પ્રખ્યાત કવિતા ‘‘દેવડીએ દંડ પામે ચોર મૂઠી જાર ના, લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે! મને એ સમજાતું નથી કે શાને આવું થાય છે?”નો ઉલ્લેખ કર્યો હતો.
કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ ખુબ જ ભાવપૂર્વક જણાવ્યું હતું કે, જેમણે સ્વયં ગરીબી જોઈ હોય તે જ ગરીબોની વેદનાને સમજી શકે છે. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાનાબાળપણમાં પિતાની ચાની કિટલી(લારી)એ વેચેલી ચાનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જેમને ગરીબીનો અહેસાસ છે તે જ્યારે પ્રધાનમંત્રી બને છે ત્યારે પોતાની યોજનામાં ગરીબોના કલ્યાણને સમાવતા આજે ‘આયુષ્માન ભારત’ યોજના અંતર્ગત એક શ્રીમંત વ્યક્તિ એપોલો જેવી હોસ્પિટલમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચી પોતાની સારવાર કરાવી શકે છે તે જ હોસ્પિટલમાં તે જ ડોક્ટર પાસે એક ગરીબ પણ સારવાર કરાવી શકે તેવી વ્યવસ્થા પ્રધાનમંત્રીશ્રીએ કરી છે.
કેન્દ્રિય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ દાદરા નગર હવેલી અને દમણ-દીવના થઈ રહેલા વિકાસથી પ્રભાવિત થઈ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રદેશની બાગડોર શ્રી પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરી તેનું આ પરિણામ છે.
આ પ્રસંગે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે બાલદેવી ખાતે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)’ના બાંધકામ સમયે કેટલાક વક્રદૃષ્ટાઓએ કરેલા વિરોધનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, જેમને હંમેશા વાંકુ જોવાની આદત છે, તેમણે હંમેશા ટીકા-ટિપ્પણી જ કરવી છે તેવા લોકો માટે આજનો કાર્યક્રમ આંખ ઉઘાડનારો છે. આ 704 આવાસોમાંથી 20 ટકા જેટલા આવાસોની ફાળવણી લઘુમતિ સમુદાય માટે કરવામાં આવી છે. કોઈપણ જાતના ભેદભાવ સિવાય ધાર્મિક, આર્થિક,સામાજિક 704માંથી 140 આવાસ લઘુમતિ સમુદાયને આપ્યા છે તેનો સંતોષ છે.
પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં તમામ સંઘપ્રદેશો અને રાજ્યોમાં ફક્ત દાદરા નગર હવેલી અને દમણ-દીવ જ એક માત્ર પ્રદેશ એવો છે કે જ્યાં ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)’માં ભારત સરકાર દ્વારા રૂા.1 લાખ 20 હજારની સહાય આપવામાં આવે છે, જેમાં સંઘપ્રદેશ પોતાના તરફથી પણ તેટલી જ રકમ એટલે કે, રૂા.1 લાખ 20 હજાર સહાય આપે છે. ટૂંકમાં ભારત સરકારના રૂા.1 લાખ 20 હજાર અને સંઘપ્રદેશ પ્રશાસનના રૂા. 1 લાખ 20 હજાર મળી ‘પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ)’ના લાભાર્થીને રૂા.2 લાખ 40 હજારની સહાય મળે છે.
પ્રારંભમાં કેટલાક લાભાર્થીઓએ પોતાને આવાસ માટે પડી રહેલી તકલીફનું હૃદયદ્રાવક વર્ણન કર્યું હતું અને પોતાના ઘરના ઘરનું સ્વપ્ન સાર્થક કરવા બદલ સંઘપ્રદેશ પ્રશાસન અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો દિલથી આભાર પ્રગટ કર્યો હતો.
આ પ્રસંગે સેલવાસ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી રજનીબેન શેટ્ટી, દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડા, દમણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રી અસ્પીભાઈ દમણિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ, દમણ-દીવના પૂર્વ સાંસદ શ્રી ગોપાલભાઈ કે. ટંડેલ(દાદા), દાનહના પૂર્વસાંસદ શ્રી સીતારામભાઈ ગવળી, દાનહના પૂર્વ સાંસદ શ્રી નટુભાઈ પટેલ, ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ, ઔદ્યોગિક ગૃહોના પ્રતિનિધિઓ, અધિકારીઓ, લાભાર્થી પરિવારો તથા મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘપ્રદેશ પ્રશાસનના સહાયક એકાઉન્ટ ઓફિસર શ્રીમતી શર્મિલાબેન પરમારે ખુબ જ કુશળતાથી કર્યું હતું.