ભારત સરકાર દ્વારા પ્રદેશના વિદ્યુત વિભાગના ખાનગીકરણના મુદ્દે મુકાયેલા પ્રસ્તાવ સામે જે તે સમયના સાંસદોએ પણ સેવેલી ભેદી ચૂપકીદી
ભારત સરકાર દ્વારા દેશની તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોના વિદ્યુત નિગમો અને વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરવા લેવાયેલા નિર્ણયનો અમલ હવે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં હાથવેંતમાં હોવાનું દેખાય છે. સંભવત્: વિદ્યુત વિભાગના ખાનગીકરણનો અમલ કરનારા પહેલા કેન્દ્ર શાસિત પ્રદેશમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની ગણના થશે. ભારત સરકારનો ઈરાદો નેક અને પવિત્ર હશે એમા કોઈ સંદેહ નથી. પરંતુ દાદરા નગર હવેલી અને દમણ-દીવનું વિદ્યુત વિભાગ કે નિગમ એકમાત્ર એવું છે કે જે દર વર્ષે નફો રળે છે અને લોકોને 24×7 નિરંતર વીજપૂરવઠો મળી રહે તેની પણ તકેદારી રાખે છે. દેશના અન્ય રાજ્યો કરતા વિદ્યુતના દર પણ દાનહ અને દમણ-દીવમાં ઓછા હોવાના કારણે ઔદ્યોગિક આલમ પણ આ પ્રદેશમાં પોતાના ઉદ્યોગો સ્થાપવા ઉત્સાહી રહે છે.
દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગના થનારા ખાનગીકરણથી પ્રદેશની લગભગ તમામ મોટાભાગની આર્થિક ગતિવિધિઓમાં રોક આવવાની સંભાવના છે. મોટાભાગના ઉદ્યોગો પલાયન થવાની કગાર ઉપર છે. ઉદ્યોગો પલાયન થવાથી કામદારો પણ અહીંથી હિજરત કરી શકે એવી પ્રબળ સંભાવના હોવાથી દમણ અને દાદરા નગર હવેલીના મોટાભાગના ફલેટો અને ચાલની રૂમો ખાલી થશે. જેના કારણે પ્રદેશના લોકોને મોટું આર્થિક નુકસાન પણ સહન કરવાની નોબત આવી શકે એવી પૂરેપૂરી શક્યતા છે.
ખાનગીકરણ થવાથી વિદ્યુતના દરમાં થનારા વધારાને રોકવો સરકારના હાથમાં પણ રહેશે નહીં. જેના કારણે દર મહિને લોકોને બીજો આર્થિક બોજો પણ પડવાનોજ છે. કારણે કે, હવે ખાનગીકરણની પ્રક્રિયા આખરી પડાવ ઉપર આવીને ઉભી છે. ભારત સરકાર દ્વારા જ નિર્ણય લેવાયો હોવાથી સ્થાનિક પ્રશાસન પણ લાચાર હોવાનું દેખાય છે.
અત્રે યાદ રહે કે, ભારત સરકારે દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગના ખાનગીકરણના મુકેલા પ્રસ્તાવનો પ્રદેશના જે તે વખતના બંનેસાંસદોએ પણ ભેદી ચૂપકીદી સેવી હતી. જેના પરિણામ સ્વરૂપ આજે પ્રદેશના નફા રળતા અને 24 કલાક નિરંતર સેવા આપતા વિદ્યુત વિભાગનું ખાનગીકરણ કરતા હવે રોકી નહીં શકે એવી સ્થિતિ પેદા થઈ છે.
હાલમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મિરના વિદ્યુત વિભાગના ખાનગીકરણના પ્રસ્તાવને સરકાર દ્વારા પરત લેવાની ફરજ પડી છે. કારણ કે જમ્મુ-કાશ્મિરના તમામ વિદ્યુત વિભાગના કર્મીઓએ હડતાલ પાડતા છેવટે સરકાર દ્વારા પોતાનો નિર્ણય હાલ તુરંત મોકૂફ રાખ્યો છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં આવી સ્થિતિ સર્જાવાની કોઈ શક્યતા નથી. પ્રજા પણ વિરોધમાં ઉતરે એવી સંભાવના પણ બહુ ઓછી છે અને હવે લગભગ ખાનગીકરણ પૂર્ણતાના આરે આવી પહોંચ્યું છે, ત્યારે ફક્ત કુદરતના કરિશ્મા સિવાય દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિદ્યુત વિભાગને ખાનગી હાથમાં જતું રોકવું લગભગ અસંભવ દેખાય છે.