-
સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા વિવિધ સરકારી યોજનાઓના અસરકારક કાર્યાન્વયનથી સંચાર રાજ્ય મંત્રી પ્રભાવિત
-
મંત્રીશ્રીએ આંગણવાડીની બહેનોને કોઈપણ બાળક કુપોષિત ન રહે એની કાળજી રાખવા કરેલો અનુરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
ભારત સરકારના સંચાર રાજ્યમંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણે કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત કરી હતી. એ દરમિયાન મંત્રી શ્રીએ દાદરા નગર હવેલીના અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. આ ઉપરાંત શ્રી દેવુસિંહ ચૌહાણે મોદી સરકારના 8 વર્ષ પુર્ણ થતા વિભિન્ન સરકારી યોજનાઓ અને લાભાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.
સંચાર રાજય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણે આ સાથે દાદરા નગર હવેલીની જનઔષધિ કેન્દ્રની પણ મુલાકાત લીધી હતી. જિલ્લા કલેક્ટર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા રાજય મંત્રી શ્રીને માહિતી આપવામાં આવી હતી કે દાદરા નગર હવેલીમાં 21 જન ઔષધિ કેન્દ્રો છે.આ કેન્દ્રમાં જેનેરિક દવાઓ રાખવામાં આવે છે, જેમાં હજારો લોકોને આ દવા સસ્તા દરેમળી રહી છે.
રાજયમંત્રી શ્રીએ પોતાના આ પ્રવાસ દરમિયાન દાદરા નગર હવેલીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનીમુલાકાત પણ કરી હતી અને લાભાર્થીઓ સાથે વાત કરી હતી. તેમણે પતિ અને પુત્રને ગુમાવનાર પુષ્પાબેન ધોળીના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી, એ સમયે પુષ્પાબેન રાજયમંત્રી શ્રીને જણાવ્યું હતું કે સંકટના સમયે પ્રધાનમંત્રી આવાસ યોજના કામ આવી છે. મંત્રી શ્રીએ નગરપાલિકા વિસ્તારમાં પીએમ આવાસ યોજના અર્બનના મકાનો પણ જોયા હતા.
મંત્રી શ્રીએ દાદરા નગર હવેલીમાં આંગણવાડીની પણ મુલાકત કરી હતી .આંગણવાડીના ભૂલકાઓ સાથે આનંદની પળો પસાર કરીને શ્રી દેવુસિંહ ચૌહાણે આંગણવાડીની બહેનોને અનુરોધ કર્યો હતો કે કોઈ પણ બાળક કુપોષિત ના રહે એની ખાસ કાળજી રાખવાની છે.
સંચાર રાજય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રશાસક પ્રફુલ પટેલ દ્વારા આ પ્રદેશમાં અનેક વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે અને ભારત સરકારની યોજનાઓને પણ સારી રીતે અમલમાં મૂકવામાં આવી છે. આવતી કાલે ગુરુવારના રોજ દાદરા નગર હવેલીમાં ડાકઘર વિભાગ દ્વારા આયોજિત એક કાર્યકામમાં ‘મારી દીકરી સમૃદ્ધ દીકરી અભિયાનનું શુભારંભ કરાશે.