કેન્દ્ર શાળા નરોલી અંગ્રેજી માધ્યમની 123 વિદ્યાર્થીનીઓએ લીધેલો ભાગઃ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓ પોતાના ધ્યેયને હાંસલ કરવા પણ પ્રેરિત થયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.27
સંઘપ્રદેશના સમગ્ર શિક્ષા અને પ્રાથમિક શિક્ષણ વિભાગ- દાનહ દ્વારા કેન્દ્ર સારા નરોલી અંગ્રેજી માધ્યમ ખાતે વિઝન એનરિચમેન્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાની ઉચ્ચ પ્રાથમિક વિભાગની 123 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં બ્લોક રિસોર્સ પર્સન(બીઆરપી) સુશ્રી નિકિતા દાગાએ વિદ્યાર્થીનીઓને જીવન જીવવા માટે જરૂરી જીવન કૌશલ્ય, જીવનમાં ધ્યેયનું મહત્વ, પોતાનું ધ્યેય કઈ રીતે નક્કી કરવું, ધ્યેયપ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોને કઈ રીતે ઓળંગવા, સકારાત્મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ કઈ રીતે બનાવવું જેવા મુદ્દાઓ ઉપર રસાળ શૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીનીઓએ પોતાનો ધ્યેય નક્કી કરી દરેક સાથેપોતાના ધ્યેયને અને એને પામવાની પોતાની તૈયારીઓના આયોજન વિશે પરસ્પર સંવાદ કર્યો હતો. પોતાના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો પૂછી પોતાની સમજ પણ વિકસાવી હતી. આ કાર્યક્રમથી વિદ્યાર્થીનીઓ અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ધ્યેયને નક્કી કરી એને પામવા માટે આત્મવિશ્વાસથી આગળ કઈ રીતે વધવું તેની શિખામણ મેળવી હતી.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી અંકિતા આનંદની પહેલથી અને શિક્ષણ નિર્દેશક શ્રી જતિન ગોયલના દિશા-નિર્દેશ હેઠળ કરવામાં આવ્યું હતું. જેને સફળ બનાવવામાં સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લા અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારીની મુખ્ય ભૂમિકા રહી હતી.
આ કાર્યક્રમને તૈયાર કરવામાં બીઆરસી કો-ઓર્ડિનેટર શ્રી અલ્લારખા એસ. વોહરા, નરોલી અંગ્રેજી માધ્યમના આચાર્યા સુશ્રી અનિષા ખલીફાનું યોગદાન રહ્યું હતું અને સેલવાસ બ્લોકમાં કાર્યરત તમામ સીઆરસી કો-ઓર્ડિનેટર, બીઆરપી અને શાળાના શિક્ષકગણોએ રચનાત્મક સહયોગ આપ્યો હતો.