દમણવાડા પંચાયત દ્વારા પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્યે આપવામાં આવશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.27
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 ખેડૂતોને પ્રાયોગિક ધોરણે પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. જેની કડીમાં આજે સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ બારિયાવાડ વિસ્તારના ખેડૂતો સાથે ચર્ચા-વિચારણા કરી હતી અને ખેતરના થોડા હિસ્સામાં પ્રાકૃત્તિક ખેતી કરવા પ્રેરિત કર્યા હતા.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્યું હતું કે, દમણવાડા પંચાયત વિસ્તારના પ્રાકૃત્તિક ખેતી કરનારા ખેડૂતોને વર્મીકમ્પોસ્ટ અને દીવેલીના ખોળનું ખાતર વિનામૂલ્યે આપવામાં આવશે.
આ પ્રસંગે કેટલાક ખેડૂતોએ પોતાના ખેતરના કેટલાક હિસ્સામાં પ્રાયોગિક ધોરણે પ્રાકૃત્તિક ખેતી કરવા પોતાની તૈયારી દર્શાવી હતી. દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 75 જેટલા ખેડૂતોની ઓળખ કરી તેમને પ્રાકૃત્તિક ખેતી તરફ વાળવાના પ્રયાસો શરૂ કર્યા છે. આ અભિયાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલ મીટના, એકાઉન્ટન્ટ શ્રીરોહિત ગોહિલ, જુનિયર એન્જિનિયર શ્રી વિપુલ રાઠોડ તથા સ્ટાફનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.