(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ગુજરાત રાજ્ય એસટી નિગમના વલસાડ વિભાગ દ્વારા ‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા” અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે પૈકી તા.10 જાન્યુઆરીના રોજ એસ.ટી. વિભાગીય કચેરી, ધરમપુર રોડ, અબ્રામા ખાતે રક્તદાન શિબિરનું આયોજન સિવિલ હોસ્પિટલ વલસાડના સહયોગથી અને ડો.અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. રક્તદાતાઓને એસટી વિભાગના અધિકારીઓ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વલસાડ એસટી વિભાગના વિભાગીય નિયામક એન. એસ. પટેલ, એ. કે. પરમાર, બી. ટી. પટેલ સહિત અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રક્તદાન શિબિરમાં 59 બોટલ રક્ત રક્તદાતાઓ તરફથી દાનકરવામાં આવ્યું હતું.
‘‘સ્વચ્છ યાત્રા, શુભ યાત્રા” ઝુંબેશ અંતર્ગત એસટીની વિભાગીય કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં વિભાગીય કચેરી તથા વિભાગીય યાંત્રાલયના કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા વિભાગીય કચેરી પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ સાથે એસટી વિભાગીય કચેરીને સુશોભન કરવા માટે વોલ પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું હતું.