April 25, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયમાં કાનૂની જાગૃતતા શિબિર યોજાઈ

  • દમણ કોર્ટના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન પી.એચ.બાનસોડએ સંત કબીરના દોહાને દોહરાવી જીવનમાં વિનમ્રતા અને હળીમળીને રહેવા પોતાની રસાળ શૈલીમાં આપેલી સમજ

  • દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશ ગોસાવીએ પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતોને પ્રાકૃત્તિક ખેતી માટે પ્રેરિત કરવા થઈ રહેલા પ્રયાસની આપેલી જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30
આજે દમણવાડા ગ્રામ પંચાયત ખાતે સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી, દમણ દ્વારા એડવોકેટ બાર એસોસિએશનના સહયોગથી કાનૂની જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં પર્યાવરણનું મહત્‍વ તથા મહિલાઓના મૂળભૂત અધિકાર ઉપર પ્રકાશ પાડવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે દમણના ચીફ જ્‍યુડિશિયલ મેજીસ્‍ટ્રેટ સિનિયર ડીવીઝન શ્રી પી.એચ.બાનસોડએ પોતાના રસાળ વક્‍તવ્‍યમાં સંત કબીરના દોહાને દોહરાવતા અરસ-પરસના સહયોગથી હળીમળીને રહેવાનો સંદેશ આપ્‍યો હતો. તેમણે નદી અને સમુદ્રની વાર્તાનું દૃષ્‍ટાંત આપતા જણાવ્‍યું હતું કે, કોઈપણ વસ્‍તુનું અભિમાન રાખવું નહીં જોઈએ. તેમણે સમજાવ્‍યું હતું કે, નદીને અભિમાન હતું કે તેમના પ્રવાહમાં મોટા મોટા ઝાડ, મોટી મોટી ઈમારતને તાણીલાવવાની શક્‍તિ છે. તેથી પોતાના સમુદ્રભાઈને કહે છે કે બોલ તારા માટે શું લઈ આવું? સમુદ્ર નદીના અભિમાનને સમજી જાય છે અને કહે છે કે, તુ મારા માટે ફક્‍ત ઘાસ લઈ આવ. ત્‍યારે નદી ઘાસની જડ ઉખેડવા ખુબ પ્રયાસ કરે છે પરંતુ ઘાસની જડ જેમ જેમ પાણીનો પ્રવાહ તેજ બને તેમ તેમ તે નમી જાય છે તેથી નદી તેને સાથે લઈ જઈ શકતી નથી, તેવી જ રીતે જે લોકો હંમેશા વિનમ્ર રહે છે તે લોકો જ ખરાબ સમયમાં પણ ટકી શકે છે એવી પ્રેરણા પણ ન્‍યાયાધિશ શ્રી પી.એચ.બાનસોડએ આપી હતી.
આ પ્રસંગે પર્યાવરણનું મહત્‍વ સમજાવતા એડવોકેટ શ્રી નવિન શર્માએ જણાવ્‍યું હતું કે, પર્યાવરણ પ્રકૃત્તિની અણમોલ ભેટ છે. તેને સુરક્ષિત રાખવું આપણા જીવન માટે અતિ આવશ્‍યક છે. તેમણે વિવિધ કાયદાઓનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, પર્યાવરણને બચાવવામાં આવશે તો જ પૃથ્‍વી ઉપર જીવન પણ બચી શકશે.
આ કાર્યક્રમમાં એડવોકેટ શ્રીમતી ભક્‍તિબેન ઉપાધ્‍યાયે મહિલાઓના મૂળભૂત અધિકારોને સમજાવતા તેમણે દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા મહિલા સશક્‍તિકરણ અને મહિલાઓના સ્‍વાભિમાન માટે થઈ રહેલા પ્રયાસોની સરાહના પણ કરી હતી.
આ પ્રસંગે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ સ્‍ટેટ લિગલ સર્વિસ ઓથોરિટી દ્વારા દમણવાડા ગ્રામ પંચાયત ખાતે કાનૂનીશિબિર યોજવા બદલ આભાર પ્રગટ કર્યો હતો. તેમણે જણાવ્‍યું હતું કે, આ પ્રકારના કાર્યક્રમથી ગામવાસીઓને તેમના મૌલિક અધિકારો અને પર્યાવરણના સંદર્ભમાં ખુબ જ ઉપયોગી જાણકારી મળે છે. તેથી આ પ્રકારના આયોજનો વધુ ને વધુ કરવા પણ સૂચન કર્યું હતું.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા 8મી માર્ચના દિવસે યોજવામાં આવતી મહિલા ગ્રામસભાનો ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, જેમાં સમાજમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનારી મહિલાઓને સન્‍માનિત કરવામાં આવે. તેમણે પર્યાવરણની જાગૃતિની દિશામાં દમણવાડા ગ્રામ પંચાયતે પ્રાકૃત્તિક ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કરવા કરેલી પહેલની પણ જાણકારી આપી હતી અને પ્રાકૃત્તિક ખેતી તરફ વળી રહેલા ખેડૂતોને પંચાયત દ્વારા દિવેલીનો ખોળ અને વર્મીકમ્‍પોસ્‍ટ વિનામૂલ્‍યે આપવાના કરેલા આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ જણાવ્‍યું હતું કે, ગામડામાં લોકો વચ્‍ચે કોઈપણ પ્રકારનો ઝઘડો નહીં થાય તે પંચાયતનો ઉદ્દેશ રહે છે. તેથી આવી સ્‍થિતિ પેદા થવા ઉપર અરસ-પરસ સમાધાન દ્વારા તેના ઉકેલ માટે પણ પંચાયત પ્રયાસરત હોવાથી છેલ્લા દોઢ વર્ષથી પોલીસ દફતરે દમણવાડા ગ્રામ પંચાયતમાંથી ઓછા કેસો નોંધાયા હોવાનું પણ જણાવ્‍યું હતું.
કાર્યક્રમનું સંચાલનએડવોકેટ વેનિસા ડી-સિલ્‍વાએ કર્યું હતું. જ્‍યારે આભારવિધિ એડવોકેટ સુશ્રી અલ્‍પા મોદીએ આટોપી હતી.
આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં દમણવાડા ગ્રામ પંચાયત વિસ્‍તારના લોકો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

વાપી ભડકમોરા હનુમાનજી મંદિરમાં નશામાં ધૃત બનેલા બે નેપાળીઓએ કાર ઘૂસાડી : મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

ચીખલી પંથકમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો ડાંગરની વાવણીમાં જોતરાયા

vartmanpravah

વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્‍યાણ મેળો યોજાયો

vartmanpravah

હિંગરાજ માતા નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં દાભેલ ઈલેવન ચેમ્‍પિયનઃ રનર્સ અપ બનેલી ચલા કેવડી ફળિયાની કામલી ઈલેવન

vartmanpravah

ચીખલી પોલીસે ઓવરબ્રિજ પાસેથી રૂા.37 લાખનો વિદેશી દારૂના જથ્‍થા સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

Leave a Comment