હિન્દીમાં સૌથી વધુ પત્ર વ્યવહાર કરવાવાળા કાર્યાલયો તથા પદાધિકારીઓનું કરાયેલું સન્માન
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.28: આજે કચીગામ દમણના સચિવાલય સભાખંડ ખાતે નગર રાજભાષા કાર્યાન્વયન સમિતિ(નરાકાસ) અને રાજભાષા કાર્યાન્વયન સમિતિ(રાકાસ)ની દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં 01 જુલાઈ, 2022થી 31 ડિસેમ્બર, 2022 દરમિયાન પ્રશાસનના કાર્યાલયો, કેન્દ્ર સરકારના કાર્યાલયો, બેંકો, નિગમો અને ઉપક્રમો દ્વારા હિન્દીમાં કરવામાં આવેલ કામકાજની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકના પ્રારંભમાં નરાકાસ અને રાકાસ દમણના સહાયક નિર્દેશક અને સભ્ય સચિવ ડો. અનિલ કૌશિકે દમણના કલેક્ટર ડો. તપસ્યા રાઘવ, દાનહના કલેક્ટર શ્રીમતી ભાનુ પ્રભા તેમજ ઉપસ્થિત તમામનું સ્વાગત કર્યું હતું અને ગત મીટિંગમાં લેવામાં આવેલા નિર્ણયો અને તેના ઉપર કરવામાં આવેલ કાર્યવાહીથી અધ્યક્ષને માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠકમાંહિન્દી પ્રગતિ રિપોર્ટોની સમીક્ષા કરતા નરાકાર અને રાકાસના અધ્યક્ષ તથા દમણના જિલ્લા કલેક્ટર ડો. તપસ્યા રાઘવે દરેક કાર્યાલયના પ્રમુખોને નિર્દેશ આપ્યો હતો કે, તેમના કાર્યાલયોમાં રાજભાષા અધિનિયમ-1963ની કલમ 3(3)નો અમલ અને હિન્દી પત્રાચાર અને નોંધ માટે નિર્ધારિત લક્ષ્યને પ્રાપ્ત કરવા હરસંભવ પ્રયાસ કરવામાં આવ્યો.
આ બેઠકમાં સૌથી વધુ હિન્દીમાં કામ કરવાવાળા કાર્યાલયોને શિલ્ડ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં દમણ અને સેલવાસ ખાતે પ્રશાસનના કાર્યાલય શ્રેણીમાં દમણ વેટ વિભાગ અને સેલવાસ નગરપાલિકાને પ્રથમ પુરસ્કાર, દમણ નગરપાલિકા અને સેલવાસ વિદ્યુત વિભાગને દ્વિતીય, એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીડબ્લ્યુડી દમણ અને એક્સાઈઝ વિભાગ-સેલવાસને તૃતિય, દમણ પોલીસ અને સેલવાસ સમાજ કલ્યાણ વિભાગને પ્રોત્સાહન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
દરમિયાન કેન્દ્રીય સરકારી કાર્યાલય/ઉપક્રમ/બેંકની શ્રેણીમાં કોસ્ટગાર્ડ દમણ અને જવાહર નવોદય વિદ્યાલય સીલી-સેલવાસને પ્રથમ પુરસ્કાર, ઈન્ટર સ્ટેટ પોલીસ વાયરલેસ સેન્ટર દમણ અને કેનરા બેંકને દ્વિતીય, બાલ ભવન દમણ અને કેન્દ્રીય વિદ્યાલય સેલવાસને તૃતિય તથા પાવરગ્રિડ કોર્પોરેશન લિમીટેડ દમણ અને યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યુરન્સ કં. લિ. સેલવાસને પ્રોત્સાહન પુરસ્કારથી સન્માનિત કરાયાહતા.
આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન હિન્દીમાં સૌથી વધુ કામ કરનારા પદાધિકારીઓને રોકડ પ્રોત્સાહન પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ બેઠકમાં પ્રશાસનના તમામ કાર્યાલયોના હેડ ઓફ ઓફિસ તથા કેન્દ્ર સરકારના કાર્યાલયોના અધિકારીઓ, પ્રશાસનના અધિકારીઓ, નિગમો, ઉપક્રમોના પ્રમુખ અને બેંકોના મેનેજરો ઉપસ્થિત રહ્યા હતા.