સરદાર પોતે ઈચ્છતા હતા કે, પોતાના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્ર સમુદાય તેમના સંબંધોનો ઉપયોગ કરી કોઈ પણ પ્રકારનો ખોટો લાભ ન લે !તેમનું ચોક્કસપણે માનવું હતું કે, દરેક વ્યક્તિ તેની યોગ્યતા પ્રમાણે જ નિયુક્ત થાય. લાંચ-રૂશ્વત કે ભ્રષ્ટાચારને તેઓ મૂળથી ઉખેડવાના હિમાયતી હતા. તેવી ક્રિયાને તેઓ સખત રીતે વખોડી નાંખતા. તેઓ તેમાં જરા પણ સેહ શરમ નહીં રાખતા.
જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના ગૃહમંત્રી હતા ત્યારે એક વહેલી સવારે તેઓ દિલ્હીના પોતાના નિવાસસ્થાનના બગીચામાં વૉકિંગ કરી રહ્યા હતા.
અચાનક જ તેમની નજર પતરાની પેટીને લઈ તેમનાં બંગલાના કંપાઉન્ડમાં પ્રવેશેલા તેમના ભત્રીજા ડાહ્યાભાઈ (વિઠ્ઠલભાઈના પુત્ર) પર પડી. ડાહ્યાભાઈએ વૉકિંગ કરતાં વલ્લભભાઈનો વિવેકપૂર્વક ચરણસ્પર્શ કર્યો.
આમ અચાનક જ દિલ્હી આવેલાં ડાહ્યાભાઈને સરદારે હાથના ઈશારે આવવાનું કારણ પૂછયું.
‘રેલ્વેમાં કારકુનની નોકરીનો ઈન્ટરવ્યુ છે.’ ડાહ્યાભાઈનો ટૂંકો જવાબ સાંભળી વલ્લભભાઈએ તેને નાહીને નાસ્તા-પાણીથી પરવારી તેમને દીવાનખંડમાં મળવા જણાવ્યું. ડાહ્યાભાઈ દૈહિક ક્રિયા આટોપી ખુશ થતાં થતાં સરદારને મળવા ગયા.
સંપૂર્ણ વિગત જાણી સરદાર પટેલે તેમને ઈન્ટરવ્યુ દરમ્યાન કે તે પહેલાં તેમના નામ કે તેમના સંબંધોનો ઉલ્લેખ ન કરવાની સૂચના આપી હતી. તેઓ ઈચ્છતા હતા કે કોઈ પણ પ્રભાવ કે પક્ષપાત વિના ભત્રીજાની યોગ્યતા પર જ તેને નોકરી મળે.
ડાહ્યાભાઈને એમ હતું કે, ‘કાકાની ઓળખાણથી નોકરી મળી જશે’ પરંતુ તેમની ગણત્રી અવળી પડી! કાકાની શરતથીતેમની ખુશીને ઓગળતા વાર ન લાગી. સરદારની શિસ્તથી તેઓ પરિચિત હતા, પરંતુ તે શિસ્ત આટલી હદે હશે તેની તેમને કલ્પના ન હતી!
ઈન્ટરવ્યુ દરમ્યાન તેમણે સરદારની શરતનું ચુસ્તપણે પાલન કર્યું. કમનસીબે ડાહ્યાભાઈની તે નોકરી માટે પસંદગી ન થઈ! તેઓ નિરાશ થઈ સરદાર પટેલના નિવાસસ્થાને પાછા ફર્યા. તેમના ચહેરાનું નૂર ઊડી ગયું હતું.
ભત્રીજાનો ઉદાસ ચહેરો જોઈ સરદાર પરિસ્થિતિ પામી ગયા. તેમ છતાં પણ સરદારે તેને ઈન્ટરવ્યુ અંગે પૂછયું.
‘કાકા, જરાક ભલામણ કરી હોત તો નોકરી મળી જાત!’ રડમશ અવાજે ડાહ્યાભાઈએ માંડ માંડ વાકય પૂરૂં કર્યું.
‘પણ બેટા, આપણે આપણી બળ – બુદ્ધિથી આગળ વધતાં શીખવું જોઈએ. પારકે નાકે શ્વાસ લઈને કયાં સુધી જીવાય? ભલામણથી નોકરી મેળવીએ તેમાં આપણી સચ્ચાઈ લાજે!’ આછા સ્મિત સાથે સરદારે ભત્રીજાને સ્પષ્ટતા કરી.
ડાહ્યાભાઈએ પોતાના વચનનું પાલન કર્યું હતું તેથી સરદાર અંતરથી ખુશ હતા. તેમની સચ્ચાઈ પર તેમણે ડાહ્યાભાઈની પીઠ થાબડી ગર્વ અનુભવ્યો.
આ હતું સરદાર પટેલનું નિર્મળ, નિષ્કલંકિત અને નિષ્પક્ષ ચારિત્ર્ય!
સરદાર પોતે ઈચ્છતા હતા કે, પોતાના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્ર સમુદાય તેમના સંબંધોનો ઉપયોગ કરી કોઈ પણ પ્રકારનો ખોટો લાભ ન લે !તેમનું ચોક્કસપણે માનવું હતું કે, દરેક વ્યક્તિ તેની યોગ્યતા પ્રમાણે જ નિયુક્ત થાય. લાંચ-રૂશ્વત કે ભ્રષ્ટાચારને તેઓ મૂળથી ઉખેડવાના હિમાયતી હતા. તેવી ક્રિયાને તેઓ સખત રીતે વખોડી નાંખતા. તેઓ તેમાં જરા પણ સેહ શરમ નહીં રાખતા.
સરદારને ભારતના સર્વ પ્રથમ વડાપ્રધાન બનાવવવા ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ કમિટી તરફેણમાં હતી તેમ છતાં શિસ્તના આગ્રહી સરદારે ગાંધીજીના આદેશથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધેલી! તેઓ દેશના ગૃહપ્રધાન હોવાને નાતે વહીવટમાં વડાપ્રધાન નહેરુની નાની સરખી ભૂલને પણ તેઓ સાંખી નહીં લેતા. ખુદ જવાહરલાલ નહેરુ પણ તેમની આ નીતિથી વાકેફ હતા. તેઓ કોઈપણ અયોગ્ય પ્રભાવ કે પક્ષપાત વિના દરેકને સફળ થવાની સમાન તક આપવામાં માનતા. પરંતુ નહેરુના શાસનમાં છાસવારે થતાં પક્ષપાતી વલણને કારણે સરદારની નેહરુ સાથે નાની-મોટી ટશલ પણ થઈ જતી!
સરદાર પટેલની નિષ્પક્ષતા, પારદર્શિતા અને યોગ્યતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને દાદ માંગી લે તેવી હતી! ભલે તેઓ વડાપ્રધાન ન બની શકયા, પરંતુ ભારતના અનેક રજવાડાઓનું વિલીનીકરણ કરી અખંડ ભારતને સાકાર કરવાનો તેમનો પુરુષાર્થ ઈતિહાસના પાને સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે!
એ યાદ રહે કે, ‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધેછે, જ્યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે.’ સરદારનો ચારિત્ર્યનો સૂર્ય કોઈ પણ વ્યવધાન વગર નિષ્કલંક નભમાં ઝળહળી રહ્યો છે!
વર્તમાનકાળે શિક્ષકભરતી કૌભાંડ, પ્રશ્નપત્ર ફૂટી જવાના પ્રકરણો કે વાહલાં- દવલાં નીતિ કરનારાં નેતાઓ અને અગ્રેસરો (?) સરદારના આ પ્રસંગથી બોધપાઠ લેશે ખરા?