ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો વાવી માલિક મુકેશસિંહ આર. સોલંકીએ તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું પરંતુ કોઈ વિકૃત માનસવાળાની લાગેલી નજર..!
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
સમગ્ર દેશ સહિત દાદરા નગર હવેલીમાં પણ પ્રશાસન અને સ્વયંસેવી સંગઠનો દ્વારા પર્યાવરણની જાળવણી માટે ઠેર ઠેર વૃક્ષારોપણ કરવામાં આવે છે ત્યારે દાનહના ધાપસા બોરીગામ રોડ ઉપર જમીન માલિક દ્વારા વાવેલા 50 થી 60 જેટલા ઝાડોનું નિકંદન કોઈ સ્થાપિત હિતો દ્વારા કરાતા નરોલી આઉટ પોસ્ટમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે ધાપસા બોરીગામ રોડ ઉપર સર્વે નં.41 અને 40માં ગુલમહોર, લીમડો, સેવન, કોનોકાર્પસ જેવા 50 થી 60 જેટલા ઝાડો માલિક શ્રી મુકેશસિંહ આર. સોલંકીએ વાવી તેનું જતન કરી મોટું લીલુંછમ જંગલ પેદા કર્યું હતું. એકાદ-બે દિવસ પહેલાં કોઈ સ્થાપિત હિતે આ તમામ ઝાડોને મૂળમાંથી ઉખેડી અને વચ્ચેથી તોડી નાંખી પોતાની વિકૃત્તિનો પરિચય આપ્યો હતો. તેની સામે જમીનના માલિક એવા ફરિયાદી શ્રી મુકેશસિંહ સોલંકીએનરોલી પોલીસ આઉટ પોસ્ટમાં ફરિયાદ આપી કસૂરવારો સામે પગલાં ભરવા વિનંતી કરી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ શકમંદોના નામ ઉપર પણ ઈશારો કર્યો છે ત્યારે જે તે દિવસ અને સમય પ્રમાણે લોકેશન ટ્રેસ કરી પોલીસ તંત્રએ આરોપી સામે પગલાં ભરવા જોઈએ જેના કારણે ભવિષ્યમાં પર્યાવરણનું નિકંદન કાઢનારાઓને બોધપાઠ મળે.