વિવિધ યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’નો રથ ઘેજ દુકાન ફળીયા પ્રાથમિક શાળાએ આવી પહોંચતા શાળાની બાળાઓ દ્વારા કુમ કુમ તિલક કરી સામૈયા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો.અમીતાબેન પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા વિવિધ યોજનાઓના માધ્યમથી અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. અને આજે અહીંથી લાખો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેનાથી લોકોની સુવિધામાં વધારો થશે વિકાસની યાત્રા અવરીત પણે ચાલતી જ રહે છે. અને જરૂરિયાત મુજબ કામોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ઘેજમાં રસ્તા, પાણી, ગટર, ચેકડેમ વિગેરેના કામો માટે માત્ર તાલુકા પંચાયતની નાણાંપંચની ગ્રાન્ટમાંથી જ છેલ્લા એક વર્ષમાં 60-લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝાડી ફળીયા, ભરડા ટેકરા ફળીયા, નાયકીવાડમાં પીવાના પાણીની ઓવરહેડ ટાંકીનીયોજનાના પણ 35-લાખ રૂપિયાના વિકાસના કામો પ્રગતિમાં છે. ઉપરાંત મુખ્યમાર્ગોના નવીનીકરણ માટે લાખો રૂપિયાની ગ્રાંટ ફાળવવા માટે સાંસદ સી.આર.પાટીલ, કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ સહિતના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. પ્રમુખ કલ્પનાબેન ગાવિતે આયુષ્યમાન ભારત કાર્ડ સહિતની વિવિધ વ્યક્તિગત લાભની યોજનાઓ વિશે જાણકારી આપી હતી. શરૂઆતમાં સ્વાગત પ્રવચન સરપંચ રાકેશભાઈ પટેલે કર્યું હતું.
આ દરમ્યાન આંગણવાડીની બહેનો દ્વારા વાનગી સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરીના હુકમ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શાળામાં વિશેષ સિધ્ધિ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ ઉપરાંત સગર્ભા બહેનોને કીટ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાનું રસીકરણ પણ કરવામાં આવ્યું હતું. રથમાં વિકાસના કામોની ફિલ્મ પણ દર્શાવાઈ હતી.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય સેજલબેન, લાયઝન અધિકારી એમ.સી.પટેલ, શક્તિ કેન્દ્રના પ્રમુખ વિનોદભાઈ, બક્ષીપંચ મોરચાના ડી.બી.પટેલ સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.