હવે શનિ અને રવિવાર કે રજાના દિવસે દરિયા કિનારે મહેફિલ જમાવનારાઓએ પણ સતર્ક રહેવું પડશેઃ દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ સાવધાન રહેવું પડશે
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.07
દમણના દરિયા કિનારે, જાહેર સ્થળોએ, જાહેર રસ્તા, પાર્કિંગ પ્લેસ, જેટી, વગેરે જગ્યા ઉપર દારૂ-બિયર પીવા ઉપર પાબંદી લગાવવામાં આવી છે અને આ આદેશનો ભંગ કરનારા સામે આઈ.પી.સી.ની 188 કલમ અંતર્ગત કામકાજ કરવાનું પણ ફરમાન જિલ્લા કલેક્ટર અને ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ શ્રીમતી તપસ્યા રાઘવે જારી કરી છે.
જિલ્લા મેજીસ્ટ્રેટે ક્રિમિનલ પ્રોસિજર કોડ 1973ની કલમ 144 અંતર્ગત જારી કરેલ આદેશમાં જણાવાયું છે કે, કેટલાક લોકો દારૂની દુકાનમાંથી દારૂ ખરીદી કાચની બોટલ તોડી જાહેરમાં નાંખવામાં આવે છે અને નશામાં તેઓનું વલણ ઘાતકી, બિહામણું અને ઉપદ્રવી બની જતું હોય છે. જેના કારણે પોતાના પરિવાર સાથે બીચ વિસ્તારમાં ફરવા આવેલા પ્રવાસીઓને હેરાગતિનો સામનો કરવો પડતો હોવાની મળેલી વ્યાપક ફરિયાદના આધારે દમણના દરિયા કિનારા બીચ સહિત અન્ય વિસ્તારોમાં દારૂપીવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
અત્રે નોંધનીય છે કે, શનિ અને રવિવાર તથા અન્ય રજાઓમાં દેવકા, જમ્પોર, કડૈયા જેવા બીચ ઉપર પોતાના પરિવાર સાથે પાર્ટી બેસનારાઓ સામે પણ હવે પ્રતિબંધ લાગશે અને વિવિધ બીચ અને દરિયા કિનારે દારૂ-બિયર વેચનારાઓએ પણ જિલ્લા કલેક્ટરના આદેશનું પાલન કરવું પડશે.