
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23
શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકારે 38 કરોડથી વધુ અસંગઠિત કામદારો જેવા કે કન્ટ્રક્શનમજુર, લેબર, પ્રવાસી મજુર, સડક નિર્માણ મજુર, વિક્રેતા, ઘરેલું કામદાર, પરિવહન કર્મચારી, કળષિ મજુર વગેરેની નોંધણી કરવાના ઉદેશ્યથી દેશભરમા અસંગઠિત વર્ગના મજૂરોની નોંધણી માટે ઈ-શ્રમ પોર્ટલ લોન્ચ કરવામા આવ્યું છે.
જેમાં નોંધાયેલ મજૂરોને એક વર્ષ માટે બે લાખ રૂપિયાનો આકસ્મિક લાભ મળી રહેશે. જો ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલ કોઈ કર્મચારી દુર્ઘટનાનો શિકાર થયો હોય તો મળત્યુ અથવા તો વિકલાંગતા પર બે લાખ રૂપિયા અને આંશિક વિકલાંગતા પર એક લાખ રૂપિયા મળવા પાત્ર રહેશે.
જિલ્લા પ્રાધિકરણના માર્ગદર્શન અને નિર્દેશ અનુસાર શ્રમ વિભાગ અને સામાન્ય સેવા કેન્દ્ર સેલવાસમાં જિલ્લાના વિવિધ વિભાગોના સહયોગ દ્વારા અસંગઠિત શ્રમિકોની નોંધણીની પ્રક્રિયા શરૂ કરવામા આવી છે. 22મી નવેમ્બર સુધીમા અંદાજીત 2259 મજૂરોની નોંધણી થઈ ગઈ છે.
દાદરા નગર હવેલીના અસંગઠિત કામદારોને અપીલ છે કે તેઓ આધારકાર્ડ, બેંક ખાતાની વિગત અને આધારકાર્ડ સાથે નોંધાવવામા આવેલ મોબાઈલ નંબર સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર અથવા સરલ સેવા કેન્દ્ર પર જઈને ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કરાવે. શ્રમિકોએ કોઈપણ પ્રકારની સહાયતા માટે લેબર વિભાગ સેલવાસનો સંપર્ક કરી શકે છે.

