સેલવાસના કિસાન પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યશાળામાં નિષ્ણાંત વક્તાઓએ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના પૂર્વ પ્રાથમિક શિક્ષકોને ‘અર્લી ચાઈલ્ડહૂડ એજ્યુકેશન’ અને પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકોની ભૂમિકાના સંદર્ભમાં આપેલી વિસ્તૃત સમજ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20
સેલવાસના કિસાન પ્રશિક્ષણ કેન્દ્રમાં તા.13મી ડિસેમ્બરથી 17મી ડિસેમ્બર સુધી યોજાયેલ પાંચ દિવસીય પ્રિ-પ્રાયમરી માસ્ટર ટ્રેનરની કાર્યશાળાનું સફળતાપૂર્વક સમાપન કરાયું હતું.
આ કાર્યશાળા સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન અને શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષણ અંતર્ગત જિલ્લા શિક્ષણ અને પ્રશિક્ષણ સંસ્થા ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટિયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનીંગ(ડાયટ) દ્વારા પાંચ દિવસીય પૂર્વ પ્રાથમિક માસ્ટર ટ્રેનરની કાર્યશાળાનું આયોજન કરાયું હતું.
અત્રે યાદ રહે કે, નવી શિક્ષણ નીતિ-ર0ર0માં પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા ઉપર વિશેષ જોર આપવામાં આવ્યું છે. દાદરા નગર હવેલી અને દમણ-દીવના શિક્ષણ વિભાગદ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની સુચારુ વ્યવસ્થા માટે વિશેષ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સમગ્ર શિક્ષણના અંતર્ગત પ્રદેશમાં લગભગ 75 પૂર્વ પ્રાથમિક શાળાઓનો આરંભ થઈ ચૂક્યો છે.
સેલવાસના કિસાન પ્રશિક્ષણ કેન્દ્ર ખાતે આયોજીત કાર્યશાળામાં વિષયના નિષ્ણાંતો તરીકે દક્ષિણામૂર્તિ, બાલમંદિર સંસ્થા ભાવનગરના સુશ્રી દીપા પટેલ, નૂતન બાળશિક્ષણ સંઘ, વડોદરાના ડો. રચના દવે, સુશ્રી મનિષા પટેલ, સુશ્રી હિતાર્થી વ્યાસ અને સુશ્રી હિના ભોઈ ઉપસ્થિત રહ્યા હતા.
નિષ્ણાંત વક્તાઓએ સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના પૂર્વ પ્રાથમિક શિક્ષકોને ‘અર્લી ચાઈલ્ડહૂડ એજ્યુકેશન’ અને પૂર્વ પ્રાથમિક શાળાના શિક્ષકોની ભૂમિકાના સંદર્ભમાં વિસ્તૃત સમજ આપી હતી. સુશ્રી દિપા પટેલે અનેક ગતિવિધિઓનું સંચાલન અને વાર્તાના મહત્વની બાબતમાં શિક્ષકોને પ્રશિક્ષિત કર્યા હતા. આ પ્રશિક્ષણ કાર્યક્રમમાં પૂર્વ પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં ઉપયોગ થતી વિવિધ કિટના સંદર્ભમાં વિસ્તૃત જાણકારી આપી હતી. સંઘપ્રદેશના શિક્ષણ સચિવ શ્રીમતી પૂજા જૈન અને શિક્ષણ નિર્દેશક શ્રી નિલેશ ગુરવે પણ કાર્યશાળામાં ઉપસ્થિત રહી શિક્ષકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમને પૂર્વ પ્રાથમિક ધોરણમાં સંપૂર્ણ પ્રતિબધ્ધતાની સાથે કામ કરવા આહવાન પણ કર્યુ હતું.
આ સમગ્રપ્રશિક્ષણના કાર્યક્રમના આયોજન માટે ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટિયૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેઈનીંગ (ડાયટ) દમણના પ્રિન્સિપાલ શ્રી ઈન્દ્રવદન ડી.પટેલ અને તેમની સમગ્ર ટીમની મહત્વની ભૂમિકા રહી હતી.આ કાર્યક્રમમાં દાનહના સહાયક શિક્ષણ નિર્દેશક શ્રી પરિતોષ શુક્લ અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશ ભંડારી પણ ઉપસ્થિત રહ્યા હતા.