રેલવે અંડરપાસમાં વરસાદી પાણીના ભરાવાને લઈ રોજીંદી ઘટનાઓ બની રહી છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.07: વલસાડ જિલ્લા સહિત વાપી વિસ્તારમાં છેલ્લા 36 કલાકથી લગાતાર એક ધારો વરસાદ દિવસ-રાત પડી રહ્યો છે. પરિણામે વરસાદથી ખાના-ખરાબી અને આફતો વાપી શહેરમાં સર્જાઈ રહી છે. આજે ગુરૂવારે રેલવે અંડરપાસમાં ચિક્કાર ભરાયેલો પાણીમાંથી સ્કૂલ બસ પસાર થતા બસ અચાનક બંધ થઈ ગઈ હતી. બસમાં બેઠેલા બાળકો વધુ ગભરાઈ જાય તે પહેલા લોકોએ બાળકોને રેસ્ક્યુ કરી સલામત રીતે બહાર કાઢયા હતા.
વાપી શહેર અને જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વરસાદને લઈ રોજેરોજ મુસીબતોનો પહાડ ખડકાય રહ્યો છે. તમામ રોડો ઉપર મસમોટા ખાડાનુ સામ્રાજ્ય છવાઈ ચૂક્યુ છે ત્યારે સૌથી વધારે ટ્રાફિકની સમસ્યાઓ ઠેર-ઠેર આખો દિવસ જોવા મળી રહી છે. કારણ કે પૂર્વ-પヘમિમાં અવર-જવર કરવા માટે રેલવે ફલાય ઓવરબ્રિજ અને અંડરપાસ બે વિકલ્પો છે. રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ ગયો હોવાથી ટ્રાફિકનું તમામ ભારણ રેલવે બ્રિજ ઉપર રહે છે. લાંબી લાંબી વાહનોની કતારો આમ દૃશ્ય બની ચૂક્યા છે. વાપી પાલિકા, પોલીસ, પીડબલ્યુડી અને રેલવે તમામવિભાગોની બેદરકારીનો સીધો ભોગ પ્રજા બની ચૂકી છે. સ્કૂલ બસ, એમ્બ્યુલન્સ ફસાઈ જવી જેવી રોજની ઘટનાઓ બની રહી છે.