(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.21: વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને ભારતીય માનકબ્યુરો, સુરત દ્વારા સંયુક્ત રીતે, જુદી જુદી પ્રોડક્ટ માટે બીઆઈએસ (કે જે પહેલા આઈએસઆઈ તરીકે ઓળખાતું હતું) સર્ટિફિકેટ અને ક્વોલિટી કંટ્રોલ કોમ્પ્લાયન્સ નોમ્સ વિષે માહિતગાર કરવા માટે આજરોજ એક અવેરનેશ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ પ્રોગ્રામમાં બીઆઈએસના વરિષ્ઠ નિર્દેશક અને વડા, શ્રી એસ. કે. સિંઘ દ્વારા પ્રેઝન્ટેશનની મદદથી જણાવવામાં આવ્યું કે, કંપનીમાં બનતી અનેક પ્રોડક્ટ્સ માટે બીઆઈએસ માર્ક લગાવવું કમ્પલસરી છે, તેમણે આવી પ્રોડક્ટ્સની લિસ્ટ જણાવી ઉમેર્યું કે, આ લિસ્ટમાં આવનાર 2 મહિનામાં બીજી 600 પ્રોડક્ટ્સનો ઉમેરો કરવામાં આવશે. તેમણે પ્રોડક્ટ્સનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તે વિષે પણ વિગતવાર જાણકારી આપી હતી. વિઆઈએના માનદમંત્રી શ્રી કલ્પેશ વોરાએ ઉદ્યોગકાર મિત્રોને અનુરોધ કર્યો કે જો તેમની કંપનીમાં બનતી પ્રોડક્ટ્સ પણ એવી લિસ્ટમાં આવતી હોય કે જેનું બીઆઈએસ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય તો આજે અહીં જણાવ્યા પ્રમાણે તેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું જ જોઈએ અને આ પ્રોગ્રામમાં આપવામાં આવેલ માહિતી પ્રોડક્ટ્સના ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ખુબ જ ઉપયોગી નીવડશે.
આ કાર્યક્રમમાં વિઆઈએના ઉપ પ્રમુખ શ્રી મગન સાવલિયા, ખજાનચી શ્રી રાજુલ શાહ,બીઆઈએસના વૈજ્ઞાનિક-ડી અને સંયુક્ત નિયામક, શ્રીમતી સૃષ્ટિ દીક્ષિત અને શ્રી સત્યેન્દ્ર કુમાર પાંડે, ડીઆઈસીના પ્રાદેશિક વ્યવસ્થાપક શ્રી યજ્ઞેશ પાવાગઢી, બીઆઈએસના સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર શ્રી નિતિન દોરીયા, વિઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પટેલ, વિઆઈએના એક્ઝિકયુટિવ કમિટી મેમ્બર્સ એવા શ્રી સંજય સવાણી, શ્રી જોય કોઠારી અને મોટી સંખ્યામાં ઉદ્યોગકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.