-
મોદી સરકાર અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દાનહ અને દમણ-દીવમાં હાંસિયામાં બેઠેલા લોકોમાં શિક્ષણ-સરકારની કલ્યાણકારી યોજનાના માધ્યમથી તેમની ચેતનાને ઢંઢોળવાનું કરેલું નેક કામ
-
નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી તરીકે બિરાજમાન થયા બાદ દાનહ અને દમણ-દીવમાં પારદર્શક અને ગતિશીલ વહીવટ માટે લગભગ બે વર્ષ સુધી કરેલ અનેક પ્રયોગોઃ છેવટે પ્રફુલભાઈ પટેલની પ્રદેશના પ્રશાસક તરીકે કરેલી પસંદગી બાદ દાનહ અને દમણ-દીવની તાસિર અને તસવીર બદલાઈ ચુકી છે
દીવ નગરપાલિકાનાં પ્રમુખ પદની મહિલા આરક્ષિત સામાન્ય બેઠક ઉપર એક અનુ.જાતિની મહિલાની પસંદગી કરવામાં આવે તે મોદી સરકારમાં જ સંભવ છે અને આ પ્રકારનાં સાહસિક નિર્ણય લેવાની તાકાત માત્ર ભાજપમાં જ છે એ ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે.
દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરખામણીમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવની સ્થિતિ અને સંજોગો ઘણાં જુદા છે. ભારતની આઝાદી કરતાં દાદરા નગર હવેલી સાત વર્ષ અને દમણ-દીવ 14 વર્ષ મોડા આઝાદ થયા છે. આ ટચૂકડા કેન્દ્ર શાસિત પ્રદેશનું ચરિત્ર અને ચહેરો અલગ હતો. કેન્દ્ર શાસિત પ્રદેશહોવાનાં કારણે સીધો વહીવટ દિલ્હીથી થતો હતો અને દેશનાં નકશામાં એક નાના ટપકાં સિવાય બીજું કોઈ સ્થાન નહીં હોવાના કારણે દિલ્હી દરબારમાં પણ આ પ્રદેશની ખાસ કોઈ નોંધ લેવાતી નહીં હતી.
દેશના પ્રધાનમંત્રી તરીકે મે, 2014માં શ્રી નરેન્દ્રભાઈ મોદી બિરાજમાન થયા બાદ અન્ય ટચૂકડા પ્રદેશોની સાથે દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર પણ ખાસ ધ્યાન અપાવા લાગ્યું હતું. પ્રધાનમંત્રીશ્રીએ પ્રદેશના પારદર્શક અને ગતિશીલ વહીવટ માટે લગભગ બે વર્ષ અનેક પ્રયોગો કર્યા હતા. તેમણે પ્રદેશની બાગડોર નવયુવાન આઈ.એ.એસ. અધિકારીને સોંપવાનું પણ સાહસ કર્યું હતું. પરંતુ પ્રદેશના મોટાભાગના રાજકારણીઓની આદત અને પરંપરામાં કોઈ પરિવર્તન નહીં આવતાં છેવટે 29 ઓગસ્ટ, 2016ના રોજ પ્રશાસકના પદે આઈ.એ.એસ.ની જગ્યાએ વહીવટી કૂનેહ ધરાવતા અને ગતિશીલ તથા પારદર્શક વહીવટના હિમાયતી એવા શ્રી પ્રફુલભાઈ પટેલની કરેલી નિયુક્તિ બાદ ઈતિહાસમાં પહેલી વખત પ્રદેશના લોકો માટે વિકાસની વ્યાખ્યા બદલાઈ ચુકી છે. પહેલાં વિકાસ એટલે રોડ, લાઈટ અને પાણી સિવાય બીજું આગળનું કંઈ વિચારાતું જ નહીં હતું.
સંઘપ્રદેશના પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલે પ્રદેશના હાંસિયામાં બેઠેલા લોકોમાં શિક્ષણ અને સરકારની કલ્યાણકારી યોજનાઓ પહોંચાડીતેમની ચેતનાને ઢંઢોળવાનું નેક કામ કર્યું છે. જેના કારણે હાંસિયામાં રહેલી ઘણી પ્રતિભાને ઝળકવાની પણ તક મળી છે. જેનો ફાયદો પ્રદેશને પણ મળી રહ્યો છે.
આજે દીવ નગરપાલિકાના પ્રમુખ તરીકે એક દલિત વર્ગની મહિલાને બેસાડવામાં આવે તે રાતોરાત નથી બન્યું. પરંતુ સંઘપ્રદેશ પ્રશાસને શરૂ કરેલા સમરસતાના વાતાવરણના કારણે પ્રદેશમાં દરેક વર્ગને તેમની પ્રતિભા પ્રમાણે સ્થાન મળતું થયું છે.
ભૂતકાળમાં નગરપાલિકાના પ્રમુખ પદની ખુરશી લાખો અને કરોડો રૂપિયામાં વેચાતી હતી. પરંતુ સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે જાહેર જીવનના લોકો માટે શરૂ કરેલા શુદ્ધિકરણના યજ્ઞના કારણે આજે કેટલોક વર્ગ ચુપ છે તો કેટલાક પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના વિદાયની રાહ જોઈ રહ્યા છે. પરંતુ તેઓ ભૂલી રહ્યા છે કે, સંઘપ્રદેશના પ્રશાસક તરીકે કોઈપણ આવશે પરંતુ તેમણે પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે દોરેલી લક્ષ્મણ રેખાની અંદર જ કામ કરવું પડશે. કારણ કે, 2024 અને 2029 સુધી પણ દેશના વડાપ્રધાન તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી રહેવાના છે અને દેશના તમામ રાજ્યો, જિલ્લા અને તાલુકા સુધી તેમની નજર લંબાતી રહે છે અને દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખાસ કૃપાદૃષ્ટિ રહેલી છે ત્યારે દાદરાનગર હવેલી અને દમણ-દીવની તાસિર અને તસવીર પણ બદલાઈ ચુકી છે.