તાન, માન, નાર, પાર અને નેવરીનદીઓના ઘોડાપૂરે ઠેર ઠેર વિનાશ વેર્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: છેલ્લા ચાર-પાંચ દિવસથી ધરમપુર-કપરાડા વિસ્તારમાં બેસુમાર વરસાદ વરસી રહ્યો છે. રોજીંદો 10 થી 15 ઈંચ વરસતા વરસાદે સમગ્ર વિસ્તાર બેહાલ અને અસરગ્રસ્ત બની ચૂક્યો. ધરમપુર વિસ્તારમાં વહેતી તાન, માન, નાર, પાર અને નેવરી નદીઓમાં ઘોડાપુર આવતા સમગ્ર વિસ્તારમાં ઠેર ઠેર તારાજી સર્જી છે. પરિણામે 32 ઉપરાંત ગામોના માર્ગો બંધ થઈ ચૂક્યા છે.
પાંચ દિવસથી ધરમપુર વિસ્તારમાં લગાતાર 50 ઈંચ વરસાદ એક સાથે તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં ભયંકર પૂર જેવી ઠેર ઠેર સ્થિતિ ઉભી થઈ ચૂકી છે. નાળા-કોઝવે, પુલો વગેરે પાણીમાં ગરકાવ હોવાથી સમગ્ર વિસ્તારનું જનજીવન ઠપ થઈ ચૂક્યું છે. એકબીજા ગામને જોડતા અનેક રસ્તા, રોડ ઉપર પાણી ફરી વળતા ક્યાંક તૂટી ચુક્યા છે તો ક્યાંક તણાઈ ચુક્યા છે. ચોમેર આકાશી પ્રકોપના દૃશ્યો જોવા મળી રહ્યા છે. જીવન જરૂરીયાતની ચિજવસ્તુઓ મેળવવા નોકરી-ધંધા ઉપર જવા આવવાના અનેક સંઘર્ષ લોકો કરી રહ્યા છે તેવી કારમી સ્થિતિ વચ્ચે ધરમપુર વિસ્તાર મુકાઈ ચૂક્યો છે. અતિવૃષ્ટિથી રોગચાળો ફેલાવાની ભિતી પણ વર્તાઈ રહી છે. વહીવટી તંત્ર દ્વારા રાહત કાર્યો ચાલુ છે પણ એ નામ પુરતા કે અપુરતા જોવા મળી રહ્યાછે.