જાહેરમાં દુર્ગંધ અને અવર-જવરમાં લોકોને પડી રહેલી ભારે હાલાકી
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.12: વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી થઈ રહેલી અતિવૃષ્ટિથી ચારે તરફ તારાજી સર્જાઈ ચૂકી છે. અનેક પ્રકારની હાલાકીઓ વરસાદે માનવ જીવનને ભેટ આપી છે. વરસાદની આડઅસરોની યાદીમાં વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં એક વધુ આડઅસર/સમસ્યા ઉદ્દભવી ચૂકી છે. વસાહત ઠેર ઠેર સી.ઈ.ટી.પી.ની લાઈનની ચેમ્બરો પથરાયેલી છે તે પૈકીની કેટલીક ચેમ્બરોમાં વરસાદી પાણી ઘૂસી જતા અનેક ચેમ્બરો કેમિકલયુક્ત પાણીથી ઉભરાઈ રહી છે. પરિણામે તેનો સામનો ડગલે-પગલે વસાહતમાં અવર જવર કરતા લોકો કરી રહ્યા છે.
વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં સી.ઈ.ટી.પી.ની ચેમ્બરોમાં વરસાદી પાણી ઘૂસી જતા આવી ચેમ્બરો દુર્ગંધ મારતા પ્રદુષિત પાણી જાહેર રોડ ઉપર વહી રહ્યા છે. પરિણામે પસાર થતા લોકો અને વાહન ચાલકો અતિશય મુશ્કેલીનો સામોન કરી પ્રદુષિત પાણી વચ્ચેથી અવર જવર કરી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે. આમ પણ ભૂતકાળમાં જી.આઈ.ડી.સી.માં ચોમાસાની ઋતુમાં વરસાદમાં કેટલીક કંપનીઓ ડ્રેનેજમાં પ્રદુષિત પાણી પધરાવી દેવાનીચેષ્ટાઓ કરતી હતી. પોલ્યુટેડ કંપનીઓ ચોમાસાનો આડકતરી રીતે ઉપયોગ કરતા પાછી પડતી નહોતી.