દેશની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દેશના સર્વોચ્ચ બંધારણીય રાષ્ટ્રપતિ પદ ઉપર એક આદિવાસી મહિલાની પસંદગી કરી તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દાનહ અને દમણ-દીવમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે પ્રગટ થઈ રહેલી આભાર અને કૃતજ્ઞતાની લાગણી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.13
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડાના દિશા-નિર્દેશ અને દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી દીપેશભાઈ ટંડેલ અને પ્રભારી શ્રીમતી વિજયા રહાટકર તથા સંગઠન મંત્રી શ્રી વિવે દાઢકરના માર્ગદર્શન હેઠળ આજે પ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાના પ્રમુખ શ્રી રમેશભાઈ કડુના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચોએ રાષ્ટ્રપતિ ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુની પસંદગીને આવકારી હતી અને તેમના સમર્થન માટે પણ પ્રદેશમાં લોકજુવાળ પેદા કરવાનું ઠરાવવામાં આવ્યું હતું.
આજે સેલવાસ ન.પા.ના અધ્યક્ષ શ્રી રાકેશસિંહ ચૌહાણ અને દાનહ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી નિશા ભવર તથા આંબોલી જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી દિપકભાઈ પટેલે પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુના સમર્થન કરતો પત્ર આપ્યો હતો.
દાનહની મસાટ, રાંધા, કિલવણી, ગલોન્ડા, દાદરા, ખરડપાડા અનેનરોલી ગ્રામ પંચાયતના સરપંચો અને પંચાયત સભ્યોએ રાષ્ટ્રપતિ ઉમેદવાર શ્રીમતી દ્રૌપદી મુર્મુના સમર્થનનો પ્રસ્તાવ પત્ર પણ પ્રદેશ ભાજપ એસ.ટી. મોર્ચાના અધ્યક્ષ શ્રી રમેશભાઈ કડુને સુપ્રત કર્યો હતો.
અત્રે નોંધનીય છે કે, દેશની આઝાદીના 75 વર્ષ બાદ પહેલી વખત દેશના સર્વોચ્ચ બંધારણીય રાષ્ટ્રપતિ પદ ઉપર એક આદિવાસી મહિલાની પસંદગી કરવામાં આવી છે અને તેઓ દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશમાં પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભાર અને કૃતજ્ઞતાની લાગણી પ્રગટ થઈ રહી છે.