પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીએ રસ્તો પહોળો કરવા કરેલી રજૂઆતના સંદર્ભમાં આજરોજ સ્થળ નિરીક્ષણ કરવા પહોંચેલી વન વિભાગની ટીમ સામે સ્થાનિકોએ નોંધાવેલો જોરદાર વિરોધ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.22: ઉમરગામ તાલુકાના ડહેલી ખાતેના ઝરી ફળિયામાં આકાર લઇ રહેલી સોની સ્ટીલ એપ્લયાન્સ પ્રા.લિમિટેડ કંપની પ્રારંભથી જ વિવાદિત બનેલી છે. આ કંપની સામે સ્થાનિક આદિવાસીઓ જોરદાર વિરોધ નોંધાવી રહ્યા છે. આદિવાસીઓની માંગણી અને એમની રજૂઆતો પ્રત્યે ચૂંટાયેલા જન પ્રતિનિધિ અને અધિકારીઓને ન્યાય અપાવવામાં રસ નહીં હોવાનું સામે આવી રહ્યું છે જ્યારે આજરોજ બનેલી સંઘર્ષની ઘટના પરથી કંપની પ્રત્યે વધુ માયા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.
આજરોજ કંપનીને ઉપયોગી થનાર રસ્તાની પહોળાઈ 3.5 મીટર થી વધારી 7 મીટર સુધી કરવા માટે પંચાયત અને તાલુકા વિકાસ અધિકારીએ કરેલી રજૂઆતના સંદર્ભમાં વન વિભાગની ટીમ સ્થળ નિરીક્ષણ માટે પહોંચી હતી પરંતુ સ્થાનિકોએ અધિકારીઓ સામે વિરોધ નોંધાવતા વાતાવરણ સંઘર્ષમય બન્યું હતું. પરંતુ વાતાવરણ વધુ તંગ ન બને એ માટે ઘટના સ્થળે પોલીસ તંત્રની ટીમ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઉપસ્થિત હતી.
આ સંઘર્ષ કંપની અને આદિવાસીઓ વચ્ચે લાંબા સમયથી ચાલી રહ્યો છે .આદિવાસીઓની રજૂઆત કંપનીની જમીનના સંદર્ભમાં અને કંપની માટે ઉપયોગી થનાર રસ્તા બાબતે તેમજ કંપનીની સ્થાપના બાદ વાતાવરણને થનારી પ્રતિકૂળ અસરને કેન્દ્રસ્થાને રાખીને કરવામાં આવી રહી છે. આજરોજ રસ્તાની કામગીરી માટે વન વિભાગ અધિકારીની ટીમ સ્થળ ઉપર આવતા આદિવાસીઓની રસ્તા બાબતે કરેલી રજૂઆત સાચી હોવાની સાબિત થઈ રહી છે.કંપનીએ બાંધકામ ચાલુ કરવા પહેલા પંચાયત પાસેથી બાંધકામની પરવાનગી મેળવેલી છે તેમજ ટાઉન પ્લાનિંગ અને એન એની પ્રક્રિયા પૂર્ણ કરેલી છે. જે જોતા કંપની પાસે સાત મીટર રસ્તો પહોળો ન હોય તો ટાઉન પ્લાનિંગમાં રજૂ કરેલ નકશો સાચો કેવી રીતે હોય એ એક વેધક સવાલ સામે આવી રહ્યો છે. વધુમાં કંપનીએ એન એ ની પ્રક્રિયા દરમ્યાન રજૂ કરેલા તમામ દસ્તાવેજો તપાસના દાયરામાં આવી રહ્યા છે. હવે આ સંઘર્ષમાં આદિવાસીઓએ કરેલી રજૂઆત સદંતર ખોટી નહીં હોવાનું બહાર આવતા ઉમરગામ તાલુકાના ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર આદિવાસીઓની પડખે રહી ન્યાય અપાવવા માટે ઉચ્ચકક્ષાએથી તપાસ કરાવવાની જરૂરત જણાઈ રહી છે.