January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

  • કાગળ અને પ્લાસ્ટીકના નહીં પણ ખાદી અને કાપડના તિરંગા ફરકાવી શકાશે

  • દરેક નાગરિકે રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે

  • રાષ્ટ્રધ્વજના વેચાણ માટે સ્ટોલ લગાવવા એસટીના વિભાગીય નિયામક, પાલિકાના ચીફ ઓફિસર, જિલ્લા રજિસ્ટ્રાર અને જિલ્લા પુરવઠા અધિકારીને સૂચના અપાઈ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.૨૨
આપણા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે તેવા શુભ આશય સાથે તા. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. સતત 3 દિવસ સુધી તિરંગો આકાશમાં દેશની આન, બાન અને શાન સાથે ફરકતો રહેશે. સમગ્ર જિલ્લો દેશ ભક્તિના રંગે રંગાશે. જેના ભાગરૂપે વલસાડ કલેકટર કચેરી ખાતે કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું કે, વલસાડ જિલ્લાના તમામ ઘરો, દુકાનો, ઉદ્યોગો, વેપારી ગૃહો, સરકારી- ખાનગી કચેરીઓ, ઓફિસો, શાળા-કોલેજ અને આંગણવાડીઓમાં તા. 13 ઓગસ્ટના રોજ સવારે તિરંગો ફરકાવવાનો રહેશે જે તા. 15 ઓગસ્ટે સાંજે માનભેર નીચે ઉતારી લેવાનો રહેશે. કોઈપણ વ્યક્તિ પ્લાસ્ટીક કે કાગળના તિરંગા ફરકાવી શકશે નહી, ખાદી અથવા કાપડના જ તિરંગા ફરજિયાત ફરકાવવાના રહેશે. રાષ્ટ્રધ્વજનું અપમાન નહીં થાય તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. ઘર, દુકાન, ઓફિસ અને તમામ સરકારી તથા ખાનગી સંકુલોમાં 3 સાઈઝ પૈકી કોઈપણ એક સાઈઝનો તિંરગો ફરકાવી શકાશે. 6×9 ઈંચનો તિરંગો રૂ. 9, 16×24 ઈંચનો તિરંગો રૂ.18 અને 20×30 ઈંચનો તિરંગો રૂ. 25 ચૂકવીને ખરીદવાનો રહેશે.
આ ઉજવણી સંદર્ભે નોડલ અધિકારીશ્રી અને વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી માટે સ્વસહાય જૂથની મહિલાઓ દ્વારા સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ રાષ્ટ્રધ્વજ બનાવવામાં આવે તે માટે તાલીમનું આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી. તિરંગા ખરીદી કરીને સંબંધિત તમામ કચેરીઓને પહોંચાડવાની કામગીરી નોડલ અધિકારીશ્રી અને વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીને નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવા કલેકટરે સૂચના આપી હતી.
રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે બસ સ્ટેન્ડ પર સ્ટોલ લગાવવા વલસાડ એસટી ડિવિઝનના વિભાગીય નિયામકને સૂચના આપવામાં આવી હતી. જિલ્લાની વાજબી ભાવની દુકાનો દ્વારા પણ રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણની વ્યવસ્થા કરાવવા જિલ્લા પુરવઠા અધિકારીને સૂચના આપી હતી. વલસાડ પાલિકાના ચીફ ઓફિસરને રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે સ્ટોલ લગાવવા અને પદાધિકારીઓ સાથે આ સંદર્ભે કાયર્ક્રમ માટે બેઠકનું આયોજન કરવા પણ સૂચના આપી હતી. જિલ્લા રજિસ્ટ્રારશ્રીને દરેક દુધ મંડળીઓ અને એપીએમસી પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા સૂચના આપી હતી. એપીએમસી પર વિતરણ કેન્દ્ર શરૂ થઈ શકે તે માટે પણ આયોજન કરવા સૂચના આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીને જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય તથા તેઓના ઘરો ઉપર પણ રાષ્ટ્રધ્વજ ફરકાવે તે મુજબનું આયોજન કરવા સૂચના આપી હતી જેથી બાળકોમાં પણ રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવાય. વાપી જીઆઈડીસીના પ્રાદેશિક અધિકારી અને વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને તમામ ઔદ્યોગિક એકમો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા સૂચના આપી હતી. તથા વેપારી એસોસિએશન સાથે સંકલન કરી રાષ્ટ્રધ્વજના વેચાણ અને વિતરણ માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. વલસાડ આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસરને તમામ આંગણવાડી કેન્દ્રો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નિવાસી અધિક કલેકટર એન.એમ.રાજપૂત, જિલ્લા પુરવઠા અધિકારી કાજલ ગામીત, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અને નોડલ ઓફિસર જે.પી.મયાત્રા, વલસાડ-ધરમપુરના પ્રાંત અધિકારી, જિલ્લા રજિસ્ટ્રાર, સર્વે તાલુકાના મામલતદારો અને તાલુકા વિકાસ અધિકારીઓ, પાલિકાના ચીફ ઓફિસરો અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ તાલુકાના કાર્યક્રમના આયોજન માટે પ્રાંત અધિકારી નિલેશ કુકડીયાના અધ્યક્ષપદે તેમની કચેરીમાં એક બેઠક મળી હતી જેમાં તેમણે જણાવ્યું કે, દરેક શેરી, મહોલ્લો, સોસાયટીઓમાં ઘર અને દુકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો રહેશે. રાષ્ટ્રધ્વજ ફાટી ન જાય, કાદવ કિચડમાં ન પડે અથવા તો અન્ય કોઈ રીતે અપમાન નહીં થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. શેરી-મોહલ્લાને શણગારવામાં આવે તે આવકાર્ય છે. સમગ્ર વિસ્તાર દેશ ભક્તિના રંગથી રંગાયો હોય એવા ફોટો પણ પાડવાના રહેશે.

Related posts

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

vartmanpravah

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

સંઘપ્રદેશ થ્રીડીમાં પ્રથમ વખત આયોજીત 68મી રાષ્‍ટ્રીય શાળાકીય રમત ટેબલ ટેનિસ (અંડર 17 બોયઝ અને ગર્લ્‍સ) ટુર્નામેન્‍ટ 2024-25નું સમાપન

vartmanpravah

સમુદ્ર પરિક્રમા કાર્યક્રમનું સમાપન : માછીમારનેતા વિશાલભાઈ ટંડેલે કરેલું દમણનું પ્રતિનિધિત્‍વ

vartmanpravah

પારડી ખાતે વિશ્વાસથી વિકાસયાત્રામાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂ. ૨૩.૭૬ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત – લોકાર્પણ કરાયું

vartmanpravah

વાપી છીરીમાં ગાયત્રી કોમ્‍પલેક્ષમાં હત્‍યા કરાયેલી મહિલાની લાશ મળી

vartmanpravah

Leave a Comment